ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Gujarat voter list revision: રાજ્યના 27 જિલ્લાઓએ કામગીરીમાં મારી બાજી, 40 લાખથી વધુ મતદારો સ્થળાંતરિત થયા હોવાનું આવ્યું સામે.

Gujarat voter list revision: ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી 'ખાસ સઘન સુધારણા' (SIR) ઝુંબેશ તેના અંતિમ ચરણમાં પહોંચી છે અને તેણે ઐતિહાસિક સફળતા નોંધાવી છે. 27 ઓક્ટોબર, 2025 થી શરૂ થયેલી આ ઝુંબેશનો ગણતરીનો તબક્કો 99.99% પૂર્ણ થઈ ચૂક્યો છે. આ તપાસ દરમિયાન અત્યંત મહત્વના અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં 18 લાખથી વધુ મૃત્યુ પામેલા અને 40 લાખથી વધુ સ્થળાંતરિત થયેલા મતદારોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યના 27 જિલ્લાઓમાં 100% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
ગણતરીના તબક્કામાં તંત્રની દોડ: માત્ર 1,877 ફોર્મ બાકી
ભારતના ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાતમાં મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવા માટે SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશ યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. 27 ઓક્ટોબર, 2025 થી શરૂ થયેલી આ ઝુંબેશની 'ગણતરીના તબક્કા' (Enumeration Phase) ની સમયમર્યાદા 11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. તંત્રની સક્રિયતાને કારણે રાજ્યભરમાં વિતરિત કરવામાં આવેલા કુલ 5,08,43,291 ફોર્મમાંથી હવે માત્ર 1,877 ફોર્મ પરત આવવાના બાકી છે. આનો અર્થ એ થયો કે સમગ્ર રાજ્યમાં 99.99% કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.
ચોંકાવનારા આંકડા: લાખો નામો યાદીમાંથી થશે રદ કે સુધારાશે
આ મહાઝુંબેશ દરમિયાન ગ્રાઉન્ડ લેવલ પર થયેલી તપાસમાં આંખો પહોળી થઈ જાય તેવા આંકડા સામે આવ્યા છે:
અવસાન પામેલા મતદારો: તપાસમાં 18 લાખથી વધુ એવા નામો મળ્યા છે જે મતદારોનું અવસાન થઈ ચૂક્યું છે, છતાં તેમના નામ યાદીમાં બોલતા હતા.
કાયમી સ્થળાંતર: રોજગાર કે અન્ય કારણોસર 40.44 લાખથી વધુ મતદારો પોતાના મૂળ સરનામેથી કાયમી ધોરણે અન્યત્ર સ્થળાંતરિત થઈ ચૂક્યા છે.
ગેરહાજર મતદારો: જ્યારે BLO ઘરે તપાસ માટે ગયા ત્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના નોંધાયેલા સરનામે ગેરહાજર મળી આવ્યા હતા.
રિપીટેડ નામો: સિસ્ટમની ચકાસણીમાં 3.37 લાખથી વધુ મતદારોના નામ એકથી વધુ વાર (રિપીટેડ) નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
27 જિલ્લા અને 166 વિધાનસભા બેઠકોમાં 100% કામગીરી
કામગીરીની ઝડપ અને ચોકસાઈમાં રાજ્યના 27 જિલ્લાઓએ બાજી મારી છે અને 100% ટાર્ગેટ પૂરો કર્યો છે. આ જિલ્લાઓમાં અરવલ્લી, વલસાડ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, વડોદરા અને જામનગર સહિતના મુખ્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. સરવાળે જોઈએ તો રાજ્યની કુલ 182માંથી 166 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીનું કામ 100% પૂર્ણ થઈ ગયું છે.
BLO અને BLA વચ્ચે બેઠકોનો દોર અને ઓનલાઈન યાદી
પારદર્શિતા જળવાઈ રહે તે માટે તા. 7, 8 અને 9 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ (BLA) વચ્ચે ખાસ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોના તારણો બાદ હવે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર મૂકવામાં આવી રહી છે.
નાગરિકો મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની સત્તાવાર વેબસાઈટ erms.gujarat.gov.in પર જઈને પણ પોતાના વિસ્તારની યાદી ચકાસી શકે છે અને ખાતરી કરી શકે છે. આ વ્યવસ્થા દ્વારા મતદારો પોતે પણ પોતાના નામ અને વિગતોની ખરાઈ કરી શકશે.





















