(Source: ECI/ABP News/ABP Majha)
Turkiye-Syria Earthquake: તુર્કિમાં વિનાશકારી ભૂકંપથી 6200થી વધુ લોકોના મોત
તુર્કિમાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. મંગળવારે મૃતકોની સંખ્યા 6200ને પાર પહોંચી ગઈ છે.
Turkiye-Syria Earthquake : તુર્કિમાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. મંગળવારે મૃતકોની સંખ્યા 6200ને પાર પહોંચી ગઈ છે. તુર્કિના રાષ્ટ્રપતિએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ત્રણ મહિના માટે ઈમરજન્સીની જાહેરાત કરી છે. WHOએ અન્ય દેશોને સીરિયાની વધુ મદદ કરવા માટે અપીલ કરી છે. તુર્કિ અને સીરિયામાં સોમવારે સવારે 7.8, 7.6 અને 6.0 તીવ્રતાના સતત ત્રણ વિનાશકારી ભૂકંપ આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 6200થી વધુ લોકોના મોત થયા છે. જેમાં તુર્કિમાં સૌથી વધુ લોકોના મોત થયા છે. WHO અનુસાર આ વિનાશના કારણે 23 કરોડ લોકો પ્રભાવિત થયા છે.
ભારતે મંગળવારે તુર્કિમાં ચાર સૈન્ય વિમાનોમાં ડોગ સ્ક્વોડ, આર્મી ફિલ્ડ હોસ્પિટલ અને અન્ય રાહત સામગ્રી સાથે સર્ચ અને રેસ્ક્યુ ટીમને મોકલી હતી. ભારતે 30 પથારીવળી તબીબી સુવિધા સ્થાપવા માટે તુર્કિમાં ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલ મોકલી છે. IAFના પહેલા વિમાનમાં 45 સભ્યોની મેડિકલ ટીમ રવાના કરવામાં આવી હતી. જેમાં ક્રિટિકલ કેર નિષ્ણાતો અને સર્જનો જોડાયા હતા. એક્સ-રે મશીન, વેન્ટિલેટર, ઓટી અને અન્ય સાધનો પણ મોકલવામાં આવ્યા હતા.
સોમવારે સવારે લગભગ 4 વાગ્યે આવેલા ભૂકંપના કારણે 5000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 6200 થી વધુ લોકોના મોત થયા છે. WHOનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. આખી દુનિયા તુર્કીની મદદ કરી રહી છે. તુર્કિ અને સીરિયામાં રાહત બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ઉત્તર સીરિયામાં એક ઘરના કાટમાળમાંથી એક નવજાત બાળકને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં બાળકની માતાનું મોત થયું હતું. જિંદયારિસ શહેરમાં 7.8 તીવ્રતાના ભૂકંપ પછી આ છોકરી તેના પરિવારમાં એકમાત્ર બચી ગઈ છે.
તુર્કીના રાજદૂતે શું કહ્યું
તુર્કીના ભારત સ્થિત રાજદૂતે કહ્યું, તુર્કીમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, બે કલાક પછી તુર્કીમાં 7.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. દક્ષિણપૂર્વ તુર્કીમાં 14 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત છે, તે મોટી આપત્તિ છે. 21,103 ઘાયલ, લગભગ 6000 ઇમારતો ધરાશાયી, 3 એરપોર્ટને નુકસાન થયું છે.
કોલેજો અને યુનિવર્સિટીને શેલ્ટરમાં ફેરવવામાં આવશે
તુર્કીના વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું, કોલેજો અને યુનિવર્સિટીને શેલ્ટરમાં ફેરવવામાં આવશે. 84 દેશો કરશે બચાવ કામગીરી, 14 દેશોની ટીમ પહોંચી છે, 70 દેશોની ટીમો રસ્તામાં છે.
પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો
સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ભૂકંપ બાદ ભારત દ્વારા આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ મદદ વિશે માહિતી આપી.