US-China : અમેરિકા અને ડ્રેગન વચ્ચે મહાયુદ્ધના ભણકારા! સાંસદનો ચોંકાવનારો દાવો
તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનની અમેરિકાની મુલાકાતથી ચીન ભુરાયું થયું છે. તાઈવાનના આ પગલાથી રોષે ભરાયેલા ડ્રેગને યુદ્ધાભ્યાસના બહાને ચારેકોરથી તાઈવાનનો ઘેરો ઘાલ્યો છે.
US Warns China : તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનની અમેરિકાની મુલાકાતથી ચીન ભુરાયું થયું છે. તાઈવાનના આ પગલાથી રોષે ભરાયેલા ડ્રેગને યુદ્ધાભ્યાસના બહાને ચારેકોરથી તાઈવાનનો ઘેરો ઘાલ્યો છે. જેને લઈને ચીન-અમેરિકા-તાઈવાન વચ્ચે તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. તંગ વાતાવરણ વચ્ચે અમેરિકાના એક સાંસદે ચીન સામે યુદ્ધ માટે તૈયાર રહેવા આહ્વાન કરતા સ્થિતિ વધારે ગંભીર બની છે.
અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચીન પરની પસંદગી સમિતિના અધ્યક્ષ માઈક ગલાઘરે કહ્યું હતું કે, અમેરિકાએ તાઈવાન સામેના ખતરાને ગંભીરતાથી લેવો જોઈએ. કારણ કે, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનની અમેરિકન ધારાશાસ્ત્રીઓ સાથેની બેઠક બાદ ચીને તેમના દેશ (તાઈવાન)ની આસપાસ સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. ત્સાઈની યુએસ મુલાકાતના વિરોધમાં ચીને તાઈવાનની આસપાસ ત્રણ દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. ચીન તેને 'યુદ્ધની તૈયારી' ગણાવી રહ્યું છે.
ગયા અઠવાડિયે કેલિફોર્નિયામાં ત્સાઈ ઈંગ-વેન સાથેની બેઠકમાં હાજરી આપનાર વરિષ્ઠ રિપબ્લિકન નેતા ગલાઘરે જણાવ્યું હતું કે, તેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ કમિટી દ્વારા કોંગ્રેસને તાઈવાન સરકારની સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવા માટે પૂછવાની યોજના ધરાવે છે. શક્ય તેટલી વહેલી તકે લશ્કરી સહાય પૂરી પાડવા માટે તેમને પ્રોત્સાહિત કરો. તેમણે એમ પણ કહ્યું હતું કે, મને લાગે છે કે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેના સંદર્ભમાં તે સંપૂર્ણપણે ન્યાયી છે.
'આપણે આપણી ક્ષમતા વધારવી પડશે'
તેમણે કહ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સ્પષ્ટ ઈરાદો તાઈવાનને પોતાના દેશમાં ભેળવી દેવાનો છે. આપણી પ્રતિરોધક શક્તિને મજબૂત કરવા માટે આપણે આકાશ-પાતાળ એક કરવાની જરૂર છે, જેથી જિનપિંગ સમજી શકે કે તેઓ આમ કરી શકે નહીં. ચીને શનિવારે તાઇવાનની આસપાસ યુદ્ધ જહાજો અને ડઝનબંધ ફાઇટર જેટ સાથે ચાર દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે જે ત્રણ દિવસ ચાલશે.
અમેરિકા-તાઈવાન મિત્રતાથી ચીન ભારોભાર નારાજ
અમેરિકા અને તાઈવાનની મિત્રતાથી ચીન નારાજ છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકન સાંસદો અને તાઈવાનના રાષ્ટ્રપતિ વચ્ચેની બેઠકથી નારાજ થઈને ચીને આ પગલું ભર્યું છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીએ બુધવારે તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનની યજમાની કરી હતી. આ બેઠકમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના એક ડઝનથી વધુ સભ્યોએ ભાગ લીધો હતો.