US Visa : અમેરિકા જવા ઈચ્છુક ભારતીયો માટે ખુશ ખબર, હવે નહીં જોવી પડે રાહ
ઘણા લોકોને સમયની રાહ જોવી પડે છે અને હતાશા પણ મળે છે. પરંતુ હવે આ મામલે મહત્વનું પગલુ ભરવામાં આવ્યું છે. જેથી અમેરિકાના વિઝા મેળવવા માટે હવે વધુ સમય રાહ નહીં જોવી પડે.
US Visa Appointments : અનેક ભારતીયોને અમેરિકા જઈ સ્થાયી થવાનું અને નોકરી કે ધંધો કરવાનું સપનું હોય છે. પરંતુ અમેરિકા જવા માટેની જે પ્રક્રિયા છે તે ઘણો સમય માંગી લે છે. જેથી ઘણા લોકોને સમયની રાહ જોવી પડે છે અને હતાશા પણ મળે છે. પરંતુ હવે આ મામલે મહત્વનું પગલુ ભરવામાં આવ્યું છે. જેથી અમેરિકાના વિઝા મેળવવા માટે હવે વધુ સમય રાહ નહીં જોવી પડે.
ભારતીયોને યુએસ વિઝા મેળવવા માટે એપોઇન્ટમેન્ટ મેળવવા માટે 500 દિવસથી પણ વધુ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. બેકલોગ ઘટાડવાના પ્રયાસો છતાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ સમય ઘટાડવા માટે અમેરિકન એમ્બેસી હવે નવી પદ્ધતિ પણ લઈને આવી છે. ભારતમાં યુએસ એમ્બેસીએ રવિવારે જણાવ્યું હતું કે, હવે વિદેશમાં મુસાફરી કરતા ભારતીયો તે જગ્યાએ આવેલી અમેરિકી એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાંથી વિઝા એપોઇન્ટમેન્ટ લઈ શકશે.
થાઈલેન્ડનું ઉદાહરણ આપતા અમેરિકી એમ્બેસીએ કહ્યું હતું કે, ત્યાં ભારતીય પ્રવાસીઓ B1 અને B2 વિઝા (ટ્રાવેલ અને બિઝનેસ) માટે એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે. અમેરિકાએ તાજેતરમાં વિઝા પ્રક્રિયામાં વિલંબ ઘટાડવા માટે જુદી જુદી નવી પહેલ શરૂ કરી છે, જેમાં પહેલીવાર અમેરિકા જનારા લોકો માટે વિશેષ ઈન્ટરવ્યુ આયોજીત કરવું અને કોન્સ્યુલર સ્ટાફની સંખ્યામાં વધારો કરવાનો સમાવેશ થાય છે. વિઝા બેકલોગને ઘટાડવા માટે દિલ્હીમાં યુએસ એમ્બેસી અને મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના કોન્સ્યુલેટ્સે પણ 21 જાન્યુઆરીએ "સ્પેશિયલ શનિવાર ઈન્ટરવ્યુ ડેઝ"નું આયોજન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભૂતકાળમાં અમેરિકાના વિઝા માટે અરજી કરનારાઓ માટે ઘણા પ્રકારની છૂટની જોગવાઈ પણ કરી છે. ઉપરાંત ભારતમાં અમેરિકી મિશને બે અઠવાડિયા પહેલા 2,50,000થી વધુ વધારાની B1/B2 એપોઇન્ટમેન્ટ બહાર પાડી હતી. કોરોના વાયરસ સંબંધિત મુસાફરી પ્રતિબંધો હટાવવામાં આવ્યા બાદ અમેરિકી વિઝા માટેની અરજીઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકાના વિઝા માટે જે ઉછાળો જોવા મળી રહ્યો છે તેમાં તે દેશોમાં ભારત એક હતું.
US Visa : અમેરિકા જવા ઈચ્છુક ભારતીયો માટે સારા સમાચાર, આ તારીખથી શરૂ થશે H-1B વીઝા આવેદન
અમેરિકામાં જવા માંગતા ભારતીયો આખરે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ હવે વિદેશી નોકરીયાતો માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. અમેરિકામાં નાણાકીય વર્ષ 2023-24 માટે બહુપ્રતીક્ષિત H1B વિઝા અરજીઓ સત્તાવાર રીતે 1 માર્ચથી સ્વીકારવામાં આવશે. યુએસ ઇમિગ્રેશન એજન્સી 1 માર્ચથી કુશળ વિદેશી કામદારોની વિઝા અરજીઓ સ્વીકારશે.
આ વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માંગ હોય છે. H-1B વિઝા એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિશિષ્ટ વિશેષતાઓમાં વિદેશી કામદારોની ભરતી કરવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે.