જો મારે T20 ટીમ પસંદ કરવાની હોય તો વિરાટને સ્થાન ના આપુ, પૂર્વ ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનન વિરાટ કોહલીનું પ્રદર્શન હજુ પણ ખરાબ છે. ગઈકાલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં કોહલીએ ફક્ત 1 રન બનાવ્યો અને કેચ આઉટ થયો હતો.
Ajay jadeja on virat kohli: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનન વિરાટ કોહલીનું પ્રદર્શન હજુ પણ ખરાબ છે. ગઈકાલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં કોહલીએ ફક્ત 1 રન બનાવ્યો અને કેચ આઉટ થયો હતો. ત્યારે કોહલીના ખરાબ ફોર્મ અંગે વાત કરતાં ભારતના પૂર્વ બેટ્સમેન અજય જાડેજાએ ગઈકાલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, તે પોતાની T20 ટીમમાં વિરાટ કોહલીને સ્થાન નહીં આપે. જાડેજાએ કહ્યું છે કે ભારતે નક્કી કરવું પડશે કે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાના આક્રમક અભિગમ માટે ટીમના બ્લૂ પ્રિન્ટમાં ફિટ બેસે છે કે નહીં.
અજય જાડેજાએ કહ્યું કે જ્યારે T20I ફોર્મેટની વાત આવે છે ત્યારે કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ પાસે બે સ્પષ્ટ વિકલ્પો છે અને જ્યારે વિરાટ કોહલીના ભવિષ્યની વાત આવે છે ત્યારે તે મુશ્કેલ નિર્ણય હોય છે. "મને લાગે છે કે જે કોઈ પણ ટીમનું નેતૃત્વ કરી રહ્યું છે તેની પાસે ફક્ત બે જ વિકલ્પો છે. હું તેને આ રીતે જોઉં છું કે, કાં તો તમે જે રીતે રમી રહ્યા છો તેને વળગી રહો અને નવા ખેલાડીઓને તક આપો. બીજો વિકલ્પ એ છે કે, તમે તમે પહેલાંની જેવી ટીમ બની જાઓ જે નવા ખેલાડીઓ આવ્યા તે પહેલાં હતી." દીપક હુડ્ડાએ છેલ્લી ત્રણ મેચમાં એક સદી અને એક અડધી સદી સાથે મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. આમ છતાં, તેને પડતો મૂકવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીને સ્પેશિયલ પ્લેયર ગણાવતા જાડેજાએ કહ્યું, "વિરાટ કોહલી એક ખાસ ખેલાડી છે. જો વિરાટ કોહલી ન હોત તો કદાચ તે ટેસ્ટ ક્રિકેટ પણ ન રમ્યો હોત. તમે નંબરો જુઓ અને કહો કે 'ઓહ, છેલ્લામાં 8, 10 મેચ, તેણે સદી ફટકારી નથી', પરંતુ તમે તેને ફક્ત એટલા માટે છોડતા નથી કારણ કે તેણે સદી ફટકારી નથી. તેણે ભૂતકાળમાં જે કર્યું છે તેના કારણે તમે તેને બહાર ન રાખી શકો."
જાડેજાએ એ પણ જણાવ્યું કે, તે શા માટે વિરાટને પોતાની ટીમમાં રાખવા માંગતો નથી. આ અંગે તેણે કહ્યું, "વિરાટ કોહલી એક વિકલ્પ છે જે તમને ટીમમાં ગમશે. જો કે, હવે પહેલાં જેવો સમય અને ટીમ નથી જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટોચ પર બેટિંગ કરશે અને તમારી પાસે ધોની જેવા ખેલાડી છે જ્યાં છેલ્લી 4 ઓવરમાં 60 રન મળી જાય. મને લાગે છે કે જો મારે ટી20 ટીમ પસંદ કરવી હોત તો વિરાટ કદાચ ટીમમાં ન હોત."