Border-Gavaskar Trophy: દિલ્હી ટેસ્ટ બાદ સીરિઝ છોડીને ઓસ્ટ્રેલિયા પરત ફર્યો પેટ કમિન્સ, સતત બે હાર બાદ ટીમને મોટો ઝટકો
IND vs AUS, 3rd Test: રિપોર્ટ અનુસાર, કમિન્સ ત્રણ-ચાર દિવસ સિડનીમાં રહેશે. આ પછી તેઓ 1 માર્ચ પહેલા ભારત પણ આવી શકે છે.
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાશે. આ પહેલા ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. ટીમનો કેપ્ટન પેટ કમિન્સ ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. રિપોર્ટ અનુસાર, પરિવારમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને કારણે તે ઘરે પરત ફર્યો છે. પરંતુ તે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારત પરત આવી શકે છે.
કેમ પરત ફર્યો પેટ કમિન્સ
કમિન્સનું ઓસ્ટ્રેલિયા જવું ટીમ માટે મોટો ફટકો બની શકે છે. પરંતુ ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર કમિન્સ ત્રીજી ટેસ્ટ પહેલા વાપસી કરી શકે છે. પરિવારમાં સ્વાસ્થ્યની મોટી સમસ્યાને કારણે તે પાછો ફર્યો છે. જો કે તેમના તરફથી હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. દિલ્હી પહેલા ઓસ્ટ્રેલિયાને નાગપુરમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ઓસ્ટ્રેલિયન મીડિયાએ પણ ટીમની ઘણી ટીકા કરી છે.
ત્રીજી ટેસ્ટ પહેલા ફરી શકે છે પરત
રિપોર્ટ અનુસાર, કમિન્સ ત્રણ-ચાર દિવસ સિડનીમાં રહેશે. આ પછી તેઓ 1 માર્ચ પહેલા ભારત પણ આવી શકે છે. ભારત સામે કમિન્સનું પ્રદર્શન જોઈએ તો તે અસરકારક રહ્યો નથી. તેણે નાગપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 રન અને બીજી ઇનિંગમાં માત્ર 1 રન બનાવ્યા હતા. જોકે આ મેચમાં તેણે 2 વિકેટ લીધી હતી. તેણે દિલ્હી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 33 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં એક પણ રન બનાવ્યો નહોતો. તેણે આ મેચમાં એક વિકેટ લીધી હતી.
ક્યારથી શરૂ થશે ત્રીજી ટેસ્ટ
1 માર્ચથી ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ પછી સિરીઝની ચોથી મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમાશે. તે 17 માર્ચથી શરૂ થશે.
દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 6 વિેકેટથી જીત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં આ સાથે જ ટીમ ઇન્ડિઆએ 2-0થી લીડ બનાવી લીધી છે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ત્રીજા દિવસે જ જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આગામી ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરમાં રમાશે.