ક્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે મેદાન પર જ સિગારેટ પીવા માંડતાં મચી ગયો હોબાળો ?
કોઈ ક્રિકેટર મેદાન પર સિગારેટ પીવે એ ઘટના આઘાતજનક કહેવાય. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ની મેચમાં આવી જ ઘટના બની છે.
ઢાકાઃ કોઈ ક્રિકેટર મેદાન પર સિગારેટ પીવે એ ઘટના આઘાતજનક કહેવાય. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ની મેચમાં આવી જ ઘટના બની છે. મેચ દરમિયાન અફઘાનિસ્તાનનો વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ શહઝાદ મેદાન પર સિગારેટ પીને ધુમાડા ઉડાડતો જોવા મળ્યો હતો. આ ઘટના મિનિસ્ટર ઢાકા અને કોમિલા વિક્ટોરિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન બની હતી.
શહઝાદ મિનિસ્ટર ઢાકાની ટીમ તરફથી રમી રહ્યો છે. મેચની શરૂઆત પહેલાં શહઝાદે મેદાન પર જ સિગારેટ પીવાનું શરૂ કરી દીધું હતું. મિનિસ્ટર ઢાકાના કોચ મિનાઝુર રહેમાને શહઝાદને ચેતવણી આપતાં ઓપનર તમીમ ઈકબાલ તેને પોતાની સાથે ડ્રેસિંગ રૂમમાં લઈ ગયો હતો.
શેહઝાદનો મેદાન પર સિગારેટ પીતો હોય એવો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ શેહઝાદના વર્તનની જોરદાર ટીકા કરી છે. ત્યાર પછી શહઝાદે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. શહઝાદના આ વર્તનને કારણે રેફરીએ તેના શિસ્ત રેકોર્ડમાંથી એક ડિમેરિટ પોઈન્ટ કાપી લેવા આદેશ આપ્યો હતો. શેહઝાદે રેફરીના નિર્ણયને સ્વીકાર્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે શહઝાદે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, તેથી સત્તાવાર સુનાવણીની જરૂર નથી.
BPLની આ સીઝનમાં શહઝાદે 6 મેચમાં બે વાર ડબલ ફિગરનો આંક પાર કર્યો છે. શહઝાદે સિલ્હટ સનરાઇઝર્સ સામે 53 રન અને ખૂલના ટાઇગર્સ સામે 42 રન કર્યા હતા. આ સિવાય BPLની બાકીની 4 ઇનિંગ્સમાં તે ડબલ ફિગરને પણ પાર કરી શક્યો નથી.
બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં શુક્રવારે બે મેચ રમાવાની હતી પણ વરસાદને કારણે બંને મેચ રદ કરવામાં આવી હતી. આ દરમિયાન મોહમ્મદ શહઝાદ તેના અન્ય અફઘાન સાથી ખેલાડીઓ સાથે ઊભો રહ્યો હતો. બધા વરસાદને કારણે બંધ રખાયેલી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. એ વખતે શેહઝાદે સિગારેટ પીવાનું શરૂ કર્યું હતું.