IPLમાં ન વેચાયો, હવે ટ્રિપલ સેન્ચુરી ફટકારીને હાહાકાર મચાવ્યો; આ બેટ્સમેને તોડ્યો ૧૯ વર્ષ જૂનો રેકોર્ડ
કાઉન્ટી ક્રિકેટમાં ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન ટોમ બેન્ટને સમરસેટ માટે રમતા કરી કમાલ, જસ્ટિન લેંગરનો રેકોર્ડ ધ્વસ્ત.

Tom Banton triple century: IPL 2025ની હરાજીમાં કોઈ ખરીદદાર ન મળ્યા બાદ ઇંગ્લેન્ડના એક યુવા બેટ્સમેને કાઉન્ટી ક્રિકેટમાં એવું તોફાની પ્રદર્શન કર્યું છે કે ક્રિકેટ જગતમાં તેની ચર્ચા થઈ રહી છે. ૨૬ વર્ષીય ટોમ બેન્ટને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સમરસેટ તરફથી રમતા ત્રેવડી સદી ફટકારી છે અને ૧૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ બેટ્સમેને IPLની હરાજીમાં ૨ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે પોતાનું નામ નોંધાવ્યું હતું, પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ તેના પર વિશ્વાસ મૂક્યો ન હતો.
હાલમાં IPL 2025ની સિઝન ચાલી રહી છે અને ઇંગ્લેન્ડની ટીમ પણ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી રહી. આ સમયનો સદુપયોગ કરીને ટોમ બેન્ટને સ્થાનિક ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સમરસેટ માટે વોર્સેસ્ટરશાયર સામે રમતા ત્રેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. બેન્ટને અત્યાર સુધીમાં ૩૮૩ બોલમાં ૫૪ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૪૪ રન બનાવ્યા છે. તેની સામે વોર્સેસ્ટરશાયરના બોલરો લાચાર જોવા મળ્યા હતા અને તેને આઉટ કરવામાં સફળ થઈ શક્યા નહોતા.
ટોમ બેન્ટને આ ઇનિંગ સાથે સમરસેટ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને હાલમાં IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લેંગરનો ૧૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ ૨૦૦૬માં જસ્ટિન લેંગરે સમરસેટ તરફથી રમતા સરે ક્લબ સામે ૩૪૨ રનની ઇનિંગ રમી હતી. હવે ટોમ બેન્ટને તેમને પાછળ છોડી દીધા છે.
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વોર્સેસ્ટરશાયરની ટીમ માત્ર ૧૫૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ સમરસેટ માટે ટોમ બેન્ટન અને જેમ્સ રેઉએ શાનદાર બેટિંગ કરી હતી. બેન્ટને ત્રેવડી સદી ફટકારી હતી, જ્યારે જેમ્સે પણ ૧૫૨ રનની મહત્વની ઇનિંગ રમી હતી. સમરસેટે હાલમાં ૪ વિકેટ ગુમાવીને ૬૩૭ રન બનાવી લીધા છે અને તેમની ચાર વિકેટો હજુ બાકી છે.
ટોમ બેન્ટન ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ માટે પણ રમી ચૂક્યો છે. તેણે ઇંગ્લેન્ડ માટે ૭ વનડે મેચમાં કુલ ૧૭૨ રન બનાવ્યા છે, જ્યારે ૧૪ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેના બેટથી ૩૨૭ રન નીકળ્યા છે. IPLની હરાજીમાં ન વેચાયા બાદ બેન્ટનની આ ધમાકેદાર ઇનિંગે ચોક્કસપણે અનેક ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન ખેંચ્યું હશે.




















