Cricket : 2007 અને 2011નો વર્લ્ડકપ ધોની નહીં પરંતુ આ ખેલાડીએ જીતાડેલો : ગંભીર
દરેક મુદ્દા પર મુક્તિ સાથે પોતાનો મત વ્યક્ત કરનાર ગૌતમ ગંભીર ફરી એકવાર ચર્ચામાં છે. ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટરોની લાર્જર ધેન લાઈફ ઈમેજ સામે વાંધો ઉઠાવ્યો છે.
Gautam Gambhir : પૂર્વ સ્પિનર હરભજન બાદ હવે પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર પણ વર્લ્ડકપ જીતવા બદલ માત્ર ધોનીને જ આપવામાં આવતા શ્રેયને લઈને બરાબરનો અકળાયો છે. ગંભીરે નામ લીધા વગર જ એમ એસ ધોની અને પૂર્વ કપ્તાન કપિલ દેવની આકરી ઝટકણી કાઢી હતી.
દરેક મુદ્દા પર મુક્તિ સાથે પોતાનો મત વ્યક્ત કરનાર ગૌતમ ગંભીર ફરી એકવાર ચર્ચામાં છે. ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટરોની લાર્જર ધેન લાઈફ ઈમેજ સામે વાંધો ઉઠાવ્યો છે. ગંભીરનું માનવું છે કે, ભારતમાં ક્રિકેટરોને ટીમ કરતા પણ મોટા બનાવી દેવામાં આવે છે. બાદમાં તેમની પૂજા થવા લાગે છે જે તદ્દન ખોટું છે.
ગંભીરના મતે વિરાટ કોહલી અને એમએમ ધોની જેવા ખેલાડીઓને બ્રોડકાસ્ટર્સ અને મીડિયાએ હીરો બનાવી દીધા છે જ્યારે પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર તો કોઈ ધ્યાન જ નથી અપાયું. એટલે કે, માત્ર નામ જ નહીં કામ પણ જોવું જોઈએ. ગૌતમ ગંભીર અહીં જ અટક્યો નહોતો. તેણે મહેન્દ્ર સિંહ ધોની પર તેનું નામ લીધા વગર મોટો આરોપ લગાવ્યો.
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, એક માણસની પીઆર ટીમે તેને 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનો હીરો બનાવ્યો. જ્યારે હકીકત એ છે કે, આ બંને વર્લ્ડકપ યુવરાજ સિંહે જીતાડ્યા હતા. મને ખરેખર અફસોસ છે કે, જ્યારે પણ આપણે 2007 અને 2011ની વર્લ્ડ કપ જીતની વાત કરીએ છીએ ત્યારે યુવરાજ સિંહનું તો ક્યાંય નામ જ નથી આવતું. આ માત્ર માર્કેટિંગ અને PR ટીમનું એક કાર્ય છે જે એક ખેલાડીને સૌથી મોટો અને અન્યને સૌથી નાનો બનાવે છે.
ગૌતમ ગંભીર અહીં જ નહોતો અટક્યો. તેણે આગળ ઉમેર્યું હતું કે, કોઈ પણ અંડરરેટેડ નથી હોતું, પરંતુ આ PR અને માર્કેટિંગના લોકો તેને શબ્દો બોલીને અંડરરેટ બનાવી દે છે. કોઈ પણ ટીમ માત્ર એક ખેલાડીના આધારે આખી ટુર્નામેન્ટ નથી જીતી શકતી. જો આવું હોત તો ભારતે 5-10 વર્લ્ડ કપ જીત્યા હોત. આ એક ટીમ ગેમ અને સામૂહિક પ્રયાસ છે. જે ખેલાડીનું નામ મીડિયા વારંવાર રીપીટ કરે છે તે જ ખેલાડી હીરો બની જાય છે.
ગૌતમ ગંભીરે 2023 થી 1983 સુધી પોતાની વાત કરી હતી અને પ્રથમ વિશ્વ વિજેતા ટીમનો ઉલ્લેખ કર્યો હતો. ગંભીરે કહ્યું હતું કે, ખેલાડીને ટીમથી ઉપર રાખવાની શરૂઆત 1983થી જ થઈ હતી. દરેક વ્યક્તિ કપિલ દેવની જ વાત કરે છે. પણ મોહિન્દર અમરનાથને કેટલા લોકો યાદ કરે છે? દરેક વખતે મીડિયામાં વર્લ્ડકપ ટ્રોફી સાથે કપિલ પાજીનો જ ફોટો હોય છે. તે વર્લ્ડકપમાં મોહિન્દર અમરનાથનું પ્રદર્શન કેવું હતું? તે ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહ્યાં હતાં. તો ક્યારેક વર્લ્ડકપ ટ્રોફીની સાથે મીડિયામાં તેમનો ફોટો પણ બતાવવો જોઈએ.
આ અગાઉ ગઈ કાલે હરભજન સિંહે ધોનીને લઈને આકરી ઝાટકણી કાઢી હતી. એક ટ્વિટર યુઝર્સને જવાબ આપતા હરભજન સિંહે કહ્યું હતું કે, હાં, 2011નો વન ડે વર્લ્ડકપ તો માત્ર ધોનીએ જ જીત્યો હતો ને.બાકીના 10 ખેલાડીઓ તો એમ જ હતા ટીમમાં.