(Source: ECI/ABP News/ABP Majha)
ICC Rankings: રોહિત શર્માથી આગળ નીકળ્યો જાયસ્વાલ, જૉ રૂટને ફાયદો અને બાબર આઝમને નુકસાન
દરમિયાન, યશસ્વી જાયસ્વાલનું કમાલનું ફોર્મ યથાવત છે. તે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 12માં નંબર પર પહોંચી ગયો છે
ICC Test Rankings Yashasvi Jaiswal: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરીઝની ચોથી ટેસ્ટ બાદ ICC દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આમાં ખાસ વાત એ છે કે, ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જાયસ્વાલને ફરી ફાયદો થયો છે, તેણે પોતાના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, તે જલ્દી જ ટોપ 10માં પ્રવેશવાની અણી પર ઉભો છે. બીજીબાજુ પાકિસ્તાનના બાબર આઝમને નુકસાન થયું છે. ભારત સામે સદી ફટકારનાર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટને આ વખતે ફરી ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
જૉ રૂટને થયો સદી ફટકારવાનો ફાયદો, સીધો નંબર 3 પર પહોંચ્યો
ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન સ્થાન પર છે. તેનું રેટિંગ હવે 893 પર પહોંચી ગયું છે. સ્ટીવ સ્મિથ 818 રેટિંગ સાથે બીજા સ્થાને છે. એટલે કે આ વખતે ટોપ 2ની રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. આ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટને ભારત સામે ચોથી ટેસ્ટ ઇનિંગ્સમાં ફટકારેલી સદીનો ફાયદો મળી રહ્યો છે. હવે તે 2 સ્થાનની છલાંગ લગાવીને સીધા નંબર 3 પર પહોંચી ગયો છે. તેનું રેટિંગ 799 થઈ ગયું છે, જે પહેલા 766 હતું.
ડેરિલ મિશેલ અને બાબર આઝમને નુકસાન
ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલ અને પાકિસ્તાનના બાબર આઝમને જો રૂટની આગળ નીકવાથી નુકસાન પહોંચ્યુ છે. મિશેલ 780ના રેટિંગ સાથે ચોથા નંબર પર અને બાબર આઝમ 768ના રેટિંગ સાથે નંબર 5 પર આવી ગયો છે. બાબરને પણ એક જગ્યાએ નીચે જવું પડ્યું. ઉસ્માન ખ્વાજા છઠ્ઠા નંબર પર છે. શ્રીલંકાના દામુથ કરુણારત્ને એક સ્થાનનો ફાયદો ઉઠાવીને 750 રેટિંગ સાથે સાતમા ક્રમે પહોંચી ગયો છે. માર્નસ લાબુશેનને પણ બે સ્થાનનો ફાયદો થયો છે. તેઓ 746 રેટિંગ સાથે અને બે સ્થાનના જમ્પ સાથે સીધા જ 8માં નંબરે આવવામાં સફળ થયા છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના હેરી બ્રુકને બે-બે સ્થાનનું નુકસાન થયું છે. વિરાટ કોહલી હવે 744 રેટિંગ સાથે 9માં નંબર પર અને હેરી બ્રુક 743 રેટિંગ સાથે દસમા નંબર પર યથાવત છે.
યશસ્વી જાયસ્વાલ 12માં નંબર પર પહોંચ્યો
દરમિયાન, યશસ્વી જાયસ્વાલનું કમાલનું ફોર્મ યથાવત છે. તે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 12માં નંબર પર પહોંચી ગયો છે. આટલું જ નહીં તે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઋષભ પંતને પણ પછાડવામાં સફળ રહ્યો છે. અગાઉના રેન્કિંગમાં જાયસ્વાલ 699ના રેટિંગ સાથે 15મા સ્થાને હતા, હવે તેમનું રેટિંગ વધીને 727 થઈ ગયું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક સ્થાનના નુકસાન સાથે 13માં અને ઋષભ પંત 14માં સ્થાને છે. જો સિરીઝની છેલ્લી મેચમાં પણ યશસ્વી જાયસ્વાલનું બેટ કામ કરે છે તો તે ટોપ 10માં સ્થાન મેળવી શકે છે. હાલમાં તેનું રેટિંગ 727 છે અને નંબર ટેન બેટ્સમેનનું રેટિંગ 743 છે, એટલે કે રેટિંગમાં બહુ ફરક નથી. ધર્મશાલા મેદાન પર છેલ્લી મેચમાં જાયસ્વાલનું બેટ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું છે.