ICC T20 Rankings: કોહલીએ ICC T20I રેન્કિંગમાં લગાવી જબરજસ્ત છલાંગ, લોકેશ રાહુલને થયું મોટું નુકસાન
કેપ્ટન કોહલી આઈસીસીની તાજા ટી20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં પાંચમાં નંબરે પહોંચી ગયો છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ICCની તાજા ટી20 રેન્કિંગમાં ફરી ટોપ-5માં સ્થાન મેળવી લીધું છે. કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી પાંચ મેચની ટી20 સીરિઝની બીજી અને ત્રીજી મેચમાં ક્રમશ: 73 અને 77 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેનો તેને ટી20 રેન્કિંગમાં ફાયદો થયો છે.
પોતાના આ પ્રદર્શનના દમ પર કેપ્ટન કોહલી આઈસીસીની તાજા ટી20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં પાંચમાં નંબરે પહોંચી ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ટી20 સીરિઝમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલો લોકેશ રાહુલને એક ક્રમનું નુકસાન થયું છે. રાહુલ ત્રીજા ક્રમથી ચોથા ક્રમે પહોંચી ગયો છે. તે સિવાય શ્રેયસ અય્યર 32 ક્રમની લાંબી છલાંગ લગાવીને 31માં ક્રમે જ્યારે પંત 80માં ક્રમે પહોંચ્યો છે. ઓલરાઉન્ડરોની યાદીમાં વોશિંગટન સુંદરને બે ક્રમનો ફાયદો થયો છે અને તે11મા ક્રમે પહોંચ્યો છે.
ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે. જ્યારે ત્રીજી મેચમાં 83 રનની અણનમ ઈનિંગ રમનાર જોસ બટલર પાંચ ક્રમની છલાંગ લગાવીને 19માં ક્રમે પહોંચ્યો છે.