ICCએ જાહેર કરી Women's Cricket World Cupની બેસ્ટ ટીમ, કેપ્ટન હરમનપ્રીતને ન આપ્યું સ્થાન
ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મંગળવારે (4 નવેમ્બર) મહિલા વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની પસંદગી કરી હતી. ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીને પણ સ્થાન મળ્યું ન હતું. દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે, જેમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની સિદરા નવાઝને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવી હતી. ઋચા ઘોષ જેવી વિસ્ફોટક બેટ્સમેનને પણ નજરઅંદાજ કરવામાં આવી છે.
The #CWC25 Team of the Tournament is IN! 📥
— ICC (@ICC) November 4, 2025
More as three trophy-winning heroes of India named 👇https://t.co/CjrNjmudPt
ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાને ICC મહિલા વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં જેમિમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા સાથે સામેલ કરવામાં આવી છે. ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્મૃતિ મંધાના અને લૌરા વોલ્વાર્ડ્ટને ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમિમા રોડ્રિગ્સની પસંદગી ત્રીજા નંબરે કરવામાં આવી છે. વોલ્વાર્ડ 71.37 ની સરેરાશથી 571 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. તેણીએ સેમિફાઇનલ અને ફાઇનલમાં સતત બે સદી પણ ફટકારી હતી. સ્મૃતિએ વર્લ્ડ કપમાં 54.25 ની સરેરાશથી 434 રન બનાવ્યા હતા.
હરમનપ્રીત કૌર અને એલિસાનું પ્રદર્શન
દીપતિ શર્માની પસંદગી યોગ્ય હતી. ભારતીય ઓલરાઉન્ડરે શાનદાર પ્રદર્શન કર્યું. તેણીએ 215 રન બનાવ્યા અને 22 વિકેટ લીધી હતી. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. ભારતને ટાઇટલ સુધી પહોંચાડનાર કેપ્ટન હરમનપ્રીત કૌરે 260 રન ફટકાર્યા છતાં તેની પસંદગી કરાઈ નહોતી. માત્ર પાંચ ઇનિંગ્સમાં 299 રન બનાવનાર હીલીની પણ પસંદગી કરવામાં આવી ન હતી.
આ પેનલ દ્વારા ટીમ પસંદ કરવામાં આવી
ટીમની પસંદગી કોમેન્ટેટર્સ ઇયાન બિશપ, મેલ જોન્સ અને ઇસા ગુહા, ગૌરવ સક્સેના (ICC જનરલ મેનેજર - ઇવેન્ટ્સ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ) અને એસ્ટેલ વાસુદેવન (પ્રતિનિધિ પ્રેસ) ના બનેલી પેનલ દ્વારા કરવામાં આવી હતી. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ ટુર્નામેન્ટની ટીમમાં પ્રભુત્વ મેળવ્યું હતું, જેમાં પ્રત્યેક ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. કેપ્ટન લૌરા વોલ્વાર્ટ, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર મેરિઝાન કેપ અને નાદીન ડી ક્લાર્કનો પણ અંતિમ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ અને અલાના કિંગને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા જ્યારે પાકિસ્તાનની સિદરા નવાઝને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવી હતી, જેણે ભારતની ઋચા ઘોષને પાછળ છોડી દીધી હતી.
ICC મહિલા વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ
સ્મૃતિ મંધાના (ભારત), લૌરા વોલ્વાર્ડ (દક્ષિણ આફ્રિકા) (કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ (ભારત), મેરિઝાન કેપ (દક્ષિણ આફ્રિકા), એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), દીપ્તિ શર્મા (ભારત), એનાબેલ સધરલેન્ડ (ઓસ્ટ્રેલિયા), નાદિન ડી ક્લાર્ક (દક્ષિણ આફ્રિકા), સિદરા નવાઝ (પાકિસ્તાન) (વિકેટકીપર), અલાના કિંગ (ઓસ્ટ્રેલિયા).
12મા ખેલાડી: સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ).




















