Syed Mushtaq Ali Trophy: 'ઈમ્પેક્ટ પ્લેયર'નો ઉપયોગ કરનાર પ્રથમ ટીમ બની દિલ્હી, જાણો શું કહે છે નિયમ
ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી આજથી શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટની સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
Impact Player Rule: ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી આજથી શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટની સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હીની ટીમ પણ આ નિયમનો ઉપયોગ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. દિલ્હીએ આ નિયમ દ્વારા મિડલ મેચમાં હિતેન દલાલની જગ્યાએ પ્લેઇંગ-11માં ઋતિક શોકીનનો સમાવેશ કર્યો હતો.
આજે દિલ્હીની મેચ મણિપુર સાથે હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 7 વિકેટે 167 રન બનાવ્યા હતા. હિતેન દલાલે 27 બોલમાં 47 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો. અહીં બીજી ઈનિંગમાં દિલ્હીએ હિતેનની જગ્યાએ જગ્યાએ ઋતિક શોકિનને ટીમમાં સામેલ કર્યો હતો. ઋતિકે શાનદાર બોલિંગ કરીને ત્રણ ઓવરમાં 13 રન આપીને બે વિકેટ ઝડપી હતી. દિલ્હીના બોલરોએ મણિપુરની આખી ટીમને 20 ઓવરમાં માત્ર 96 રન જ બનાવવા દીધા હતા. આ રીતે દિલ્હીએ આ મેચ 71 રને જીતી લીધી હતી.
દિલ્હી ઉપરાંત મુંબઈએ પણ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કર્યો હતો. મિઝોરમ સામેની મેચની બીજી ઈનિંગમાં મુંબઈએ ધવલ કુલકર્ણીની જગ્યાએ સાઈરાજ પાટીલનો સમાવેશ કર્યો હતો.
આ નિયમ શું છે?
BCCIએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી ઘરેલુ T20 મેચોમાં 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ લાગુ કર્યો છે. આ હેઠળ, ટીમો વ્યૂહાત્મક રીતે તેમના એક ખેલાડીને વિકલ્પ તરીકે મેદાનમાં ઉતારી શકશે. આ નિયમ હેઠળ, ટીમોએ ચાર અવેજી ખેલાડીઓ સાથે ટોસ સમયે તેમની પ્લેઇંગ-11 જાહેર કરવી પડશે. ટીમો આ ચાર અવેજી ખેલાડીઓમાંથી માત્ર એકનો ઉપયોગ કરી શકશે. ટીમો મેચની કોઈપણ ઇનિંગની 14મી ઓવર સુધી અવેજી ખેલાડીને મેદાનમાં મોકલી શકે છે.
આ માટે મેદાન પર હાજર અમ્પાયર અથવા ચોથા અમ્પાયરે ઓવરના અંતે માહિતી આપવાની હોય છે. કેપ્ટન/હેડ કોચ/ટીમ મેનેજરમાંથી કોઈ પણ એક અમ્પાયરને આ વાત કહી શકે છે. જે ખેલાડીની જગ્યાએ નવો ખેલાડી મોકલવામાં આવે છે, તે ખેલાડી આખી મેચમાંથી બહાર રહે છે. એટલે કે ફિલ્ડિંગ કરતી વખતે પણ તે જોઈ શકાશે નહીં.
આ પણ વાંચો....