ઋતુરાજ ગાયકવાડની સદી, નીતિશ રેડ્ડી પણ ચમક્યો, ઈન્ડિયા-એની સાઉથ આફ્રિકા-એ પર રોમાંચક જીત
ઋતુરાજ ગાયકવાડે ભારત-એની જીતનો પાયો નાખ્યો હતો. ઓપનર ઋતુરાજે 129 બોલમાં 117 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે

ભારત-એ અને દક્ષિણ આફ્રિકા- એ વચ્ચે ત્રણ મેચની અનઓફિશિયલ વન-ડે શ્રેણીની પહેલી મેચ ગુરુવાર, 13 નવેમ્બરના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઈન્ડિયા-એ એ ચાર વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. 286 રનનો લક્ષ્યાંક નક્કી કરીને તેઓએ 49.3 ઓવરમાં તે હાંસલ કરી લીધો હતો. શ્રેણીની બીજી મેચ રવિવાર, 16 નવેમ્બરના રોજ આ જ સ્થળે રમાશે.
ઋતુરાજ ગાયકવાડે ભારત-એની જીતનો પાયો નાખ્યો હતો. ઓપનર ઋતુરાજે 129 બોલમાં 117 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ઋતુરાજની લિસ્ટ એ કારકિર્દીની 17મી સદી હતી. નીતિશ રેડ્ડીએ પણ ફિનિશરની ભૂમિકા ભજવી હતી. તેણે 26 બોલમાં 37 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન તિલક વર્મા (39 રન), ઓપનર અભિષેક શર્મા (31 રન), અને નિશાંત સિંધુ (29 રન અણનમ) એ પણ બેટિંગમાં યોગદાન આપ્યું. દક્ષિણ આફ્રિકા- એ તરફથી બજોર્ન ફોર્ટુઈન, ઓટનીએલ બાર્ટમેન અને ટિયાન વાન વ્યુરેને બે-બે વિકેટ લીધી હતી.
અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ દક્ષિણ આફ્રિકા-એ એ 50 ઓવરમાં 9 વિકેટે 285 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 53 રનના સ્કોરથી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ડિયાન ફોરેસ્ટર, ડેલાનો પોટગિએટર અને બ્યોર્ન ફોર્ટુઈન શાનદાર ઇનિંગ્સ રમીને દક્ષિણ આફ્રિકાને સારા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પોટગિએટરે 105 બોલમાં 90 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
ડિયાન ફોરેસ્ટરે 83 બોલમાં 77 રનનું યોગદાન આપ્યું, જેમાં ચાર ચોગ્ગા અને એટલા જ છગ્ગાનો સમાવેશ થાય છે. પોટગિએટર અને ફોરેસ્ટરે છઠ્ઠી વિકેટ માટે 113 રન ઉમેર્યા હતા. બ્યોર્ન ફોર્ટુઈનના 56 બોલમાં 58 રન, જેમાં આઠ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ભારત એ માટે હર્ષિત રાણા અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ લીધી હતી.
અભિષેક, તિલક અને રિયાન નિષ્ફળ રહ્યા
લક્ષ્યનો પીછો કરતા ભારતે મજબૂત શરૂઆત કરી હતી. ઋતુરાજે અભિષેક શર્મા (31) સાથે 64 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જોકે રિયાન પરાગ (8) સાથેની તેની ભાગીદારી લાંબો સમય ટકી ન હતી, પરંતુ તેણે તિલક વર્મા (39) સાથે 89 રનની ભાગીદારી કરીને વિજયનો પાયો નાખ્યો હતો. ગાયકવાડે ઇશાન કિશન (17) સાથે 40 રન ઉમેરીને પોતાની સદી પૂરી કરી હતી. નીતિશ કુમાર રેડ્ડીએ 37 રનનું યોગદાન આપ્યું. નિશાંત સંધુના અણનમ 29 રનથી ભારતની જીત સુનિશ્ચિત થઈ હતી.
ઈન્ડિયા-એ માટે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા, નિશાંત સંધુ, રિયાન પરાગ અને નીતિશ રેડ્ડીએ એક-એક વિકેટ લીધી હતી.




















