IND U19 Vs ENG U19: વૈભવ સૂર્યવંશીની તોફાની સદી, ભારતે ઈગ્લેન્ડને હરાવીને સીરિઝ જીતી
ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 363 રન ફટકાર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ રોકી ફ્લિન્ટોફની સદી છતાં માત્ર 308 રન જ કરી શકી હતી

ભારતની અંડર-19 ટીમે યુથ વનડે સીરિઝ જીતી લીધી છે. ચોથી વનડેમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમનો 55 રનથી પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે વૈભવ સૂર્યવંશી (143) અને વિહાન મલ્હોત્રા (129) ની સદીઓની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 363 રન ફટકાર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ રોકી ફ્લિન્ટોફની સદી છતાં માત્ર 308 રન જ કરી શકી હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની વનડે શ્રેણી 3-1થી જીતી લીધી હતી. છેલ્લી વનડે મેચ હજુ રમવાની બાકી છે.
મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ આયુષ મ્હાત્રે સાથે મળીને ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. ભારતે 14 રનના સ્કોર પર મ્હાત્રેની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બીજા છેડેથી વૈભવે સતત રન ફટકાર્યા હતા.
વૈભવે ઇતિહાસ રચ્યો
વૈભવ સૂર્યવંશીએ 52 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે યુવા વનડે ઇતિહાસમાં સૌથી ઝડપી અને સૌથી નાની ઉંમરનો સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. વિહાન મલ્હોત્રાએ તેને બીજા છેડેથી ટેકો આપ્યો હતો. બંનેએ મળીને ટીમનો સ્કોર 233 સુધી પહોંચાડ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ 78 બોલમાં 13 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 143 રનની ઈનિંગ રમી હતી.
વિહાને પણ સદી ફટકારી
વિહાન મલ્હોત્રાએ 121 બોલમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 129 રન બનાવ્યા. અભિજ્ઞાને 23 રનનું યોગદાન આપ્યું. ઇંગ્લેન્ડ તરફથી જેક હોમે ચાર વિકેટ લીધી જ્યારે સેબેસ્ટિયન મોર્ગને ત્રણ વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડની મજબૂત શરૂઆત
364 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે મજબૂત શરૂઆત કરી હતી. ભારતને પહેલી સફળતા મળી ત્યાં સુધીમાં ઇંગ્લેન્ડે 104 રન બનાવી લીધા હતા. પુષ્પકે આ ભાગીદારી તોડી હતી. બીજે ડોકિન્સ 67 રન કરીને આઉટ થયો હતો અને જોસેફ મૂર્સે 52 રન કર્યા હતા.
નમન પુષ્પકને મળી ત્રણ વિકેટ
જોકે, ફ્લિન્ટોફે 91 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. તે આઉટ થતાં જ ટીમની આશાઓ પર પાણી ફરી ગયું હતું. ભારત તરફથી નમન પુષ્પકે ત્રણ અને અંબરીશે બે વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ લક્ષ્યથી 55 રન પાછળ રહી ગયું અને ભારતે શ્રેણી પર કબજો કર્યો હતો.


















