T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા 27 વાર ટી20માં ટકરાઇ ચૂક્યા છે, જાણો કેવી રહી છે ટીમ ઇન્ડિયાની સ્થિતિ...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી લીધી છે અને આજે બન્ને ટીમો વચ્ચે બીજી ટી20 રમાશે
IND vs AUS Head To Head: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી લીધી છે અને આજે બન્ને ટીમો વચ્ચે બીજી ટી20 રમાશે. ખાસ વાત છે કે, બન્ને વચ્ચે ટી20ના હેડ ટૂ હેડ રેકોર્ડના કેટલાક આંકડા ખાસ અને રોચક છે.
22 સપ્ટેમ્બર 2007એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ રમાઈ હતી. આ ટક્કર પ્રથમ T20 વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં થઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 15 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ મેચ બાદથી બંને ટીમો છેલ્લા 16 વર્ષમાં 27 વખત સામસામે ટકરાઇ ચૂકી છે. આ 27 મેચોમાં ટીમ ઈન્ડિયા 16 વખત જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10 જીત મેળવી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. બંને ટીમો વચ્ચેના T20 ક્રિકેટના આ ટૂંકા ઇતિહાસના ખાસ આંકડા શું રહ્યા છે, અહીં વાંચો...
1. હાઈએસ્ટ ટીમ સ્કૉરઃ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. કાંગારૂ ટીમે 20 સપ્ટેમ્બર 2022ના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં ભારત સામે 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પીછો કરતાં આ સ્કૉર બનાવ્યો હતો.
2. સૌથી ઓછો ટીમ સ્કૉરઃ આ શરમજનક રેકોર્ડ ભારતના નામે છે. 1 ફેબ્રુઆરી, 2008ના રોજ મેલબોર્ન T20માં ટીમ ઈન્ડિયા માત્ર 74 રનમાં આઉટ થઈ ગઈ હતી.
3. સૌથી મોટી જીત: મીરપુરમાં 30 માર્ચ 2014ના રોજ રમાયેલી T20માં ભારતે કાંગારૂઓને 73 રનથી હરાવ્યું હતું.
4. સૌથી રોમાંચક વિજય: 21 નવેમ્બર 2018ના રોજ ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેન T20માં ભારતને 4 રનથી રોમાંચક હાર આપી.
5. સૌથી વધુ રન: વિરાટ કોહલી આ મામલે સૌથી આગળ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 794 રન બનાવ્યા છે.
6. બેસ્ટ બેટિંગ ઇનિંગ્સઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન શેન વોટસને ભારત સામે 71 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગ રમી છે. તેણે 31 જાન્યુઆરી 2016ના રોજ સિડની T20માં આ ઇનિંગ રમી હતી.
7. સૌથી વધુ છગ્ગાઃ ઓસ્ટ્રેલિયાના વિનાશક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ભારત વિરૂદ્ધ T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 28 સિક્સર ફટકારી છે.
8. સૌથી વધુ વિકેટઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 ક્રિકેટમાં 16 વિકેટ છે.
9. શ્રેષ્ઠ બૉલિંગ ઇનિંગ્સઃ આર અશ્વિને 30 માર્ચ 2014ના રોજ મીરપુરમાં રમાયેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 11 રન આપીને 4 વિકેટ લીધી હતી.
10. સૌથી વધુ મેચઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સૌથી વધુ ભારત-ઓસ્ટ્રેલિયા T20 મેચ રમી છે. બંને બેટ્સમેનોએ 22-22 મેચ રમી છે.