ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટની આગલી રાત્રે કોણે BCCIને ઈ-મેલ કરતાં ટેસ્ટ મેચ થઈ ગઈ રદ ?
માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઇંગ્લેન્ડ અને વેલ્સ બોર્ડ (ECB) ના સીઇઓ ટોમ હેરિસને ભારતીય ખેલાડીઓના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા
IND vs ENG: કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. મેચ રદ્દ થવાના કારણે ભારતીય ખેલાડી આઈપીએલ-14ના બીજા તબક્કા માટે યુએઈ જવા રવાના થયા હતા.
આ મુદ્દે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાની વાત રાખતા ટીમ ઈન્ડિયાનો પક્ષ લીધો હતો. આ દરમિયાને તેમણે કહ્યું, કોરોના ચિંતાના કારણે ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ રમવાની ના પાડી દીધી હતી. આ આંગે તેમણે બીસીસીઆઈને ઈમેલ કર્યો હતો. ઉપરાંત તેમણે આ ફેંસલા પાછળ આઈપીએલની કોઈ ભૂમિકા ન હોવાનું પણ કહ્યું હતું. ગાંગુલીએ કહ્યું, ખેલાડીએ રમવાની ના પાડી તેથી તમે તેને દોષ ન દઈ શકો. ફિઝિયો યોગેશ પરમાર પોઝિટિવ આવ્યા બાદ ખેલાડીઓ પરેશાન થઈ ગયા હતા. તેમને એ વાતનો ડર લાગતો હતો કે તેઓ વાયરસની ઝપેટમાં તો નહીં આવી જાય ને.
માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઇંગ્લેન્ડ અને વેલ્સ બોર્ડ (ECB) ના સીઇઓ ટોમ હેરિસને ભારતીય ખેલાડીઓના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. સીઈઓ ટોમ હેરિસને કહ્યું કે, મેચ કોરોના વાયરસના ડરને કારણે નહીં પરંતુ 'શું થઈ શકે છે' તેના વિચારને કારણે રદ કરવી પડી. તેમણે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓને આરામદાયક લાગે તે માટે તેમને મનાવવાના દરેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ સહાયક ફિઝિયો યોગેશ પરમાર કોવિડ પોઝિટિવ હોવાથી ગભરાયેલા ખેલાડીઓએ મેદાન પર ઉતરવાનો ઇનકાર કર્યો હતો.
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા 1936થી રમે છે. ભારતીય ટીમ અહીંયા અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન ચાર મુકાબલામાં હાર થઈ છે, જ્યારે 5 મેચ ડ્રો થઈ છે. એટલે કે 85 વર્ષથી ભારત આ મેદાન પર જીતી શક્યું નથી. યજમાન ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં આ મેદાન પર કુલ 81 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાંથી 31 મેચમાં જીત અને 15માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 35 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમ માંચેસ્ટરમાં અંતિમ વખતે 2014માં ટેસ્ટ મેચ રમી હતી. તે સમયે ઈંગ્લેન્ડે એક ઈનિંગ અને 54 રનથી હાર આપી હતી. તે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે પ્રથમ ઈનિંગમાં માત્ર 152 રન બનાવ્યા હતા. ધોનીએ સર્વાધિક 71 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બ્રોડે 6 વિકેટ ઝડપી હતી અને યજમાન ટીમે બટલર, રૂટ અને બેલની અડધી સદીથી 367 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભારત 162 રનમાં ખખડી ગયું હતું. અશ્વિને અણનમ 46 રન બનાવ્યા હતા અને મોઇન અલીએ 4 વિકેટ ઝડપી હતી.