IND vs ENG: કોરોનાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, વધુ એક સભ્ય પોઝિટિવ આવતાં પ્રેક્ટિસ સેશન કરાયું રદ્દ
IND vs ENG 5th Test: યોગેશ પરમાર પહેલા ટીમ ઈન્ડિયા મુખ્ય ફિઝિયો નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત થયા હતા. બંને ફિઝિયો પોઝિટિવ આવતાં ભારતે હવે ઈંગ્લેન્ડના ફિઝિયોની મદદ લેવી પડશે.
IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોટ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યો ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ દરમિયાન ટીમમાં કોરોનાનો વધુ એક મામલો સામે આવ્યો છે. કોરોના પોઝિટિવ આવેલા આ શખ્સનું નામ યોગેશ પરમાર છે. કોરોનાનો આ મામલો શુક્રવારથી ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી પાંચમી ટેસ્ટ પહેલા આવ્યો છે. જેના કારણે આજે ટીમ ઈન્ડિયાનું ટ્રેનિંગ સેશન પણ રદ્દ કરવામાં આવ્યું છે.
યોગેશ પરમાર પહેલા ટીમ ઈન્ડિયા મુખ્ય ફિઝિયો નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત થયા હતા. બંને ફિઝિયો પોઝિટિવ આવતાં ભારતે હવે ઈંગ્લેન્ડના ફિઝિયોની મદદ લેવી પડશે. ઈએસપીએન ક્રિકઈન્ફો મુજબ ભારતીય ટીમના ખેલાડીઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી હોટલના રૂમમાં રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિઝિયો નીતિન પટેલ અને આર શ્રીધર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સપોર્ટ સ્ટાફના આ સભ્યોને 10 દિવસ સુધી આઈસોલેટ કરાયા છે. ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ દરમિયાન તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામે તારીખ ૧૦મી સપ્ટેમ્બરથી શરૃ થઈ રહેલી પાંચમી અને આખરી ટેસ્ટ મેચ પહેલા ફિટ થઈ ગયો છે. જ્યારે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા હાલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ટીમ ઈન્ડિયાના બંને દિગ્ગજ બેટ્સમેનોને જૂની ઈજા સતાવી રહી છે. જોકે પૂજારા માંચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડે પણ ચોથી ટેસ્ટની શરમજનક હાર બાદ માંચેસ્ટરમાં બરોબરી મેળવવા માટે કમર કસી છે.
આવતીકાલથી શરૂ થતી પાંચમી અને નિર્ણાયક મેચ માટે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ફિટ નહીં હોય તો તેમના સ્થાને મયંક અગ્રવાલ અને સૂર્યકુમાર યાદવને સમાવવામાં આવી શકે છે. જ્યારે કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહેલા અજિંક્ય રહાણેના સ્થાને હનુમા વિહારીને તક આપવામાં આવી શકે છે. જ્યારે બોલિંગમાં મોહમ્મદ સિરાજના સ્થાને શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
પાંચમી ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમ
કેએલ રાહુલ, રોહિત શર્મા/મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા/સૂર્યકુમાર યાદવ., વિરાટ કોહલી, અજિંકય રહાણે/હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ ચાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે અને 3 વાગે ટોસ થશે.