Asia Cup 2022: પાક સામે મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલી વધી, વાયરલ ફિવરની ઝપેટમાં આવ્યો આ ફાસ્ટ બોલર
UAEમાં ચાલી રહેલા એશિયા કપ 2022માં ગ્રુપ Aની મેચમાં પાકિસ્તાનની હોંગકોંગ સામેની જીતથી પણ ભારતીય ક્રિકેટ ચાહકો ખુશ થઈ ગયા હતા.આ જીત સાથે એશિયા કપની સુપર-4 મેચ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે.
IND vs PAK, Asia Cup Super 4: UAEમાં ચાલી રહેલા એશિયા કપ 2022માં ગ્રુપ Aની મેચમાં પાકિસ્તાનની હોંગકોંગ સામેની જીતથી પણ ભારતીય ક્રિકેટ ચાહકો ખુશ થઈ ગયા હતા. હકીકતમાં આ જીત સાથે એશિયા કપની સુપર-4 મેચ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ રવિવાર, 4 સપ્ટેમ્બરે રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલી વધી ગઈ છે. ટીમનો ફાસ્ટ બોલર અવેશ ખાન વાયરલ ફિવરની ઝપેટમાં આવી ગયો છે.
પાક વિરૂદ્ધ મેચમાંથી આવેશ બહાર થઈ શકે છે
ભારતનો યુવા ફાસ્ટ બોલર અવેશ ખાન વાયરલ ફિવરની ઝપેટમાં આવી ગયો છે. આ કારણે તેને રવિવારે એશિયા કપ સુપર-4માં પાકિસ્તાન સામેની મેચમાં સામેલ થવામાં મુશ્કેલી પડી રહી છે. અવેશને તાવ હોવાથી તે છેલ્લા 2 દિવસથી તેના રૂમમાંથી બહાર પણ નથી આવ્યો.
અવેશની તબિયત વિશે માહિતી આપતાં બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે તે રમી શકે તે સ્થિતિમાં દેખાતો નથી. મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. જો અવેશ રવિવારે રમાનારી મેચમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય તો તે ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો કરશે. તમને જણાવી દઈએ કે અવેશ ખાને પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ફખર જમાનની મોટી વિકેટ પણ લીધી હતી.
ભારતનો હાથ ઉપર
આ શાનદાર મેચમાં ભારતનો હાથ થોડો ઉપર દેખાઈ રહ્યો છે. આના ઘણા કારણો છે. પહેલી વાત એ છે કે ભારતે અહીં છેલ્લી મેચ જીતી છે. પછી બીજું ભારત હેડ ટુ હેડ રેકોર્ડમાં પણ આગળ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 10 T20 મેચ રમાઈ છે, જેમાં ભારત 8 વખત જીત્યું છે, જ્યારે પાકિસ્તાન બે મેચ જીત્યું છે.
એશિયા કપમાં ભારતે જીતી છે બંને પ્રથમ મેચ
નોંધપાત્ર વાત એ છે કે એશિયા કપ 2022માં ભારતે અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. હોંગકોંગ સામેની બીજી મેચમાં 40 રનથી જીત મેળવી હતી.
ક્યાં રમાશે મેચ
આ મેચ 4 સપ્ટેમ્બરે એટલે કે રવિવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ પણ રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનની ટીમ પર 5 વિકેટે જીત મેળવી હતી.
લાઈવ મેચ ક્યાં જોઈ શકો છો?
આ શાનદાર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે, જ્યાં ડીડી ફ્રી ડીશ કનેક્શન છે, ત્યાં આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.