IND vs SA 2nd Test: "કરો યા મરો" મેચ પહેલા જ ભારત મુશ્કેલીમાં! ગિલ નહીં રમે, આ યુવા ખેલાડીને મળશે મોકો
india vs south africa: 'કરો યા મરો' મેચ પહેલા ભારત મુશ્કેલીમાં, ગિલની જગ્યાએ આ યુવા ખેલાડીનું ડેબ્યુ નક્કી? જાણો કોણ છે પ્લેઇંગ 11 માં પ્રબળ દાવેદાર.

india vs south africa: દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-1 થી પાછળ ચાલી રહેલી ભારતીય ટીમને ગુવાહાટી ટેસ્ટ પહેલા જબરદસ્ત ફટકો પડ્યો છે. કોલકાતા ટેસ્ટમાં ગરદનની ઈજાનો ભોગ બનેલા કેપ્ટન શુભમન ગિલ બીજી અને નિર્ણાયક ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગિલની ગેરહાજરીમાં હવે વિકેટકીપર ઋષભ પંત ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ગિલના સ્થાને યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને પ્લેઈંગ 11 માં તક મળવાની પ્રબળ શક્યતા છે. ભારત માટે આ મેચ જીતવી અનિવાર્ય છે, અન્યથા શ્રેણી ગુમાવવી પડશે.
ગિલની ઈજા અને BCCI નું અપડેટ
કોલકાતા ટેસ્ટ મેચના બીજા દિવસે શુભમન ગિલને ગરદનમાં અસહ્ય દુખાવો (Neck Pain) ઉપડ્યો હતો, જેના કારણે તેમને 'રિટાયર્ડ હર્ટ' થવું પડ્યું હતું અને તેઓ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા પણ આવી શક્યા ન હતા. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગિલ સંપૂર્ણ ફિટ ન હોવાથી બીજી ટેસ્ટ રમી શકશે નહીં. જોકે, BCCI એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગિલ 19 November, 2025 ના રોજ ટીમ સાથે ગુવાહાટી પહોંચી રહ્યો છે અને તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ઝડપથી રિકવર થઈ રહ્યો છે." પરંતુ વર્તમાન સ્થિતિ જોતા તેમનું રમવું લગભગ અશક્ય છે.
ઋષભ પંત બનશે કેપ્ટન, સાઈ સુદર્શનને મળી શકે છે તક
શુભમન ગિલની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે તે પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે. પ્રથમ ટેસ્ટમાં જ્યારે ગિલ મેદાન છોડી ગયા હતા ત્યારે ઉપ-કેપ્ટન ઋષભ પંતે સુકાન સંભાળ્યું હતું. હવે બીજી ટેસ્ટમાં પણ 26 વર્ષીય પંત જ કેપ્ટનશીપ કરશે. બીજી તરફ, ગિલના સ્થાને બેટિંગ ઓર્ડરમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે સાઈ સુદર્શન સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. સુદર્શનને આ મહત્વની મેચમાં પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
ગુવાહાટીમાં ભારત માટે 'કરો યા મરો'ની સ્થિતિ
કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને માત્ર 124 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારત શ્રેણીમાં 0-1 થી પાછળ છે. હવે શ્રેણી બચાવવા માટે ભારતે ગુવાહાટીમાં કોઈપણ ભોગે જીતવું જ પડશે. જો મેચ ડ્રો પણ જશે, તો પણ શ્રેણી દક્ષિણ આફ્રિકા જીતી જશે.
ટેમ્બા બાવુમાનો અજેય રેકોર્ડ
ભારત માટે બીજી મુશ્કેલી દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનો રેકોર્ડ છે. બાવુમાએ અત્યાર સુધી 11 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 10 મેચ જીતી છે અને 1 ડ્રો રહી છે. એટલે કે, બાવુમા કેપ્ટન તરીકે આજ સુધી એક પણ મેચ હાર્યા નથી. ભારતીય ટીમે શ્રેણી સરભર કરવા માટે બાવુમાના આ વિજયી રથને રોકવો પડશે.




















