(Source: ECI/ABP News/ABP Majha)
ધોનીની જેમ ઋષભ પંત માટે નર્વસ-90 મુસીબતઃ પંત કુલ 5 વખત નર્વસ-90નો શિકાર બન્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે છ વિકેટે 357 રન બનાવ્યા હતા.
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે છ વિકેટે 357 રન બનાવ્યા હતા. હાલમાં રવિન્દ્ર જાડેજા 45 રન અને રવિચંદ્રન અશ્વિન 10 રન પર બેટિંગ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા માટે હનુમા વિહારીએ 58 રન બનાવ્યા અને પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા હતા.
ઋષભ પંત અને ધોની આ વાત પર સરખાઃ
અન્ય બેટ્સમેનની જેમ જ ઋષભ પંતે પણ ઝડપી 96 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 98.97 હતો. ઋષભ પંતે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, તે સદીથી ચૂકી ગયો હતો અને પાંચમી વખત નર્વસ 90નો ભોગ બન્યો હતો. વિશ્વના વિકેટ કીપર બેટ્સમેનોની વાત કરીએ તો માત્ર ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની જ પંતની જેમ ઘણી વખત નર્વસ-90નો શિકાર બન્યા છે.
ઋષભ પંત આ પહેલાં પણ નર્વસ-90નો શિકાર થઈ ચુક્યો છે. જેમાં વર્ષ 2018માં વેસ્ટઈંડીઝ સામે રાજકોટ ખાતે રમાયેલી મેચમાં 92 રન પર આઉટ થયો હતો. 2018ના વર્ષમાં વેસ્ટઈંડીઝ સામે હૈદરાબાદ ખાતેની મેચમાં પણ 92 રન પર પંત આઉટ થયો હતો. સિડની ખાતે વર્ષ 2021માં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલીયા સામે 97 રન બનાવીને પંત આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ સામે 2021માં ચેન્નઈ ખાતે રમાયેલી મેચમાં પણ 91 રન પર ઋષભ પંત આઉટ થયો હતો. આમ ઋષભ પંત પણ નર્વસ 90 પર આઉટ થાય છે.
ભારતે 14મી વખત 350થી વધુ રન બનાવ્યાઃ
આજની મેચમાં ભારતના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટીમ પ્રથમ દિવસે 350થી વધુના સ્કોર સુધી પહોંચી શકી હતી. આ 14મી વખત છે જ્યારે ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 350 પ્લસનો સ્કોર કર્યો છે. ભારતે શ્રીલંકા સામે છઠ્ઠી વખત 350થી વધુ રન કર્યા છે. આનો મતલબ એ પણ થાય છે કે, ભારતને શ્રીલંકા સામે રમવાનું પસંદ છે.