IND vs WI, Match Highlights: ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામે રોમાંચક મેચમાં ત્રણ રનથી મેળવી જીત, કેપ્ટન ધવન સદી ચૂક્યો
309 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી
IND vs WI, 1st ODI, Queen Park Oval Stadium: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની સીરિઝની પ્રથમ મેચમાં 3 રને જીત મેળવી હતી. 309 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 305 રન જ બનાવી શકી હતી. ભારતની જીતનો હીરો કેપ્ટન શિખર ધવન રહ્યો હતો જેણે 97 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સિરાજે બે વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
309 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝે પાંચમી ઓવરમાં જ તેના સ્ટાર ઓપનર હોપની વિકેટ ગુમાવી દીધી હતી. હોપે માત્ર 7 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી બ્રુક્સ અને મિયર્સ વચ્ચે બીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી.
જોકે શાર્દુલ ઠાકુરે ભારતને મેચમાં વાપસી કરાવી હતી. બ્રુક્સ શાર્દુલના બોલ પર 46 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મિયર્સ પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને તે પણ 75 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને બેન્ડન કિંગ સાથે મળીને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સિરાજે 25 રન બનાવીને પૂરનને આઉટ કર્યો હતો.
ભારતની સારી બોલિંગ
હુસૈન સાથે કિંગે મેચમાં વેસ્ટ ઈન્ડિઝની જીતની આશા ટકાવી રાખી હતી. છેલ્લી 6 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 60 રનની જરૂર હતી. પરંતુ ચહલ સામે કિંગ વધુ સમય ટકી શક્યો ન હતો અને 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હુસૈને શેફર્ડ સાથે મળીને વેસ્ટ ઈન્ડિઝને જીતની ખૂબ નજીક લઈ ગયા હતા. શેફર્ડે 39 અને હુસૈને 33 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત તરફથી સિરાજ, ચહલ અને શાર્દુલે બે-બે વિકેટ ઝડપી હતી.
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શિખર ધવનના 97 રનની મદદથી ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. શુભમન ગિલે ધવનને સારો સાથ આપતા 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ ત્રીજા નંબર પર તકનો લાભ લેવાનો પ્રયાસ કર્યો અને 54 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે તેના સ્પિનર Gudakesh Motieએ બે વિકેટ ઝડપી હતી. જોસેફ પણ બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હુસૈનને એક વિકેટ મળી હતી.