વડોદરાના આ ક્રિકેટરને ભારતીય ટીમમાં મળી તક, આજે કરશે ડેબ્યૂ
Deepak Hooda Debut: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદમાં વન-ડે સીરિઝની પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. આ એક ઐતિહાસિક મેચ છે, કારણ કે ટીમ ઈન્ડિયા તેની 1000મી વન-ડે મેચ રમી રહી છે.
અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદમાં વન-ડે સીરિઝની પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. આ એક ઐતિહાસિક મેચ છે, કારણ કે ટીમ ઈન્ડિયા તેની 1000મી વન-ડે મેચ રમી રહી છે. ટીમ ઈન્ડિયા આવું કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઇ છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.પ્રથમવાર વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં બે સ્પિનરો સાથે રમી રહી છે, સાથે જ ગુજરાતના ક્રિકેટર દીપક હુડાને પ્લેઈંગ-11માં તક મળી છે.
આ મેચમાં કુલદીપ યાદવ અને દીપક ચહરને સ્થાન આપવામાં આવ્યું નથી. વોશિંગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવ્યું છે. તે ચહલ સાથે સ્પિનરની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર બોલિંગ વિભાગ સંભાળશે.
દીપક હુડ્ડાએ તાજેતરના સમયમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રમત બતાવી છે. વર્ષ 2021માં કૃણાલ પંડ્યા સાથેની તેની લડાઈ બાદ બરોડા ક્રિકેટ ટીમ છોડી દીધી હતી. તેના પર કાર્યવાહી કરતા બરોડા ક્રિકેટ એસોસિએશને તેને સસ્પેન્ડ કરી દીધો હતો. દીપક હુડ્ડા રાજસ્થાન તરફથી રમે છે. આ ટીમ માટે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર રમત બતાવી હતી.
દીપક હુડ્ડા મૂળ હરિયાણાના છે પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા તરફથી રમતા હતા. તેના પિતા એરફોર્સમાં હતા. આ કારણે તેમનું બાળપણ દેશના અલગ-અલગ શહેરોમાં વીત્યું. આ કારણોસર તેણે બરોડા તરફથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેના પિતા કબડ્ડી ખેલાડી રહી ચૂક્યા છે. દીપક હુડ્ડા ભારતની અંડર 19 ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તે વર્ષ 2014માં યોજાયેલા વર્લ્ડ કપનો ભાગ હતો.
નવેમ્બર 2021માં, તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બીજા ક્રમે રહ્યો હતો. તેણે છ મેચમાં 73.50ની એવરેજથી 294 રન બનાવ્યા. આ દરમિયાન તેણે ચાર અડધી સદી ફટકારી હતી. આ રમતના આધારે તેણે ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે દાવો રજૂ કર્યો હતો. જો કે, અગાઉ જાન્યુઆરી 2021 માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પહેલા બરોડાના કેમ્પમાં તેની કૃણાલ પંડ્યા સાથે લડાઈ થઈ હતી. દીપકે આરોપ લગાવ્યો કે કૃણાલે તેની સાથે દુર્વ્યવહાર કર્યો. જે બાદ તેણે ટીમ છોડી દીધી હતી. બરોડા ક્રિકેટે દીપકને સસ્પેન્ડ કરી દીધો હતો. આ પછી દીપક રાજસ્થાનનો ભાગ બની ગયો.
તે IPLમાં રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ જેવી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. તે છેલ્લી બે સિઝનથી પંજાબ સાથે હતો અને અહીં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું.