વિન્ડીઝ સામેની સીરિઝમાં આ સ્ટાર બોલરને અપાશે આરામ, આ ફાસ્ટ બોલરની થશે હકાલપટ્ટી....
ભારતે હવે આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે અને ટી-20 સારિઝ રમવાનું છે. વન ડે સીરિઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને ટી20 સીરિઝ કોલકાતામાં રમાશે.
IND vs WI : વર્ષ 2022માં પ્રથમ જીત મેળવવા માટે ભારતે હવે આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે અને ટી-20 સારિઝ રમવાનું છે. વન ડે સીરિઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને ટી20 સીરિઝ કોલકાતામાં રમાશે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં દક્ષિણ આફ્રિકા પ્રવાસે ગયો નહોતો અને તેનું ટીમમાં કમબેક થશે. વ્હાઇટ બોલ ક્રિકેટના કેપ્ટન રોહિતના આવવાથી ટીમમાં ઘણું સંતુલન જોવા મળશે. કેરેબિયન ટીમ સામે રમાનારી સીરિઝમાંથી ભુવનેશ્વર કુમારની હકાલપટ્ટી થઈ શકે છે. જ્યારે બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.
રોહિત શર્માનું પુનરાગમન
સાઉથ આફ્રિકા પ્રવાસમાં કંગાળ દેખાવ કરનારા સીનિયર બોલર ભુવનેશ્વર કુમાર અને આર અશ્વિનની બાદબાકી કરવામાં આવી શકે છે. સાઉથ આફ્રિકામાં ભારતના કંગાળ દેખાવ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના પુનરાગમનની ચર્ચા પણ શરૃ થઈ છે. યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર ટીમ મેનેજમેન્ટની આશા પર ખરો ઉતરી શક્યો નહતો. બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું હતુ કે, રોહિત શર્મા ફિટ થઈ ગયો છે અને તેણે મુંબઈમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. હવે તેને બેંગ્લોર જઈને ફિટનેસ ટેસ્ટની ઔપચારિકતા જ પુરી કરવાની છે.
ઐયર-પંતને ચેતવણી
સાઉથ આફ્રિકા સામે ઐયર સાધારણ દેખાવ કરી શક્યો હતો, જ્યારે પંત પણ ખોટા ફટકા મારીને આઉટ થયો હતો. આ બંને ધાર્યા મુજબ દેખાવ ન કરી શકતાં તેમને ચેતવણી આપવામાં આવી હતી. સૂત્રોના કહેવા મુજબ પંતને આરામ આપીને ઇશાન કિશનને મોકો આપવામાં આવી શકે છે.
બુમરાહને આરામ અપાય તો કોને મળી શકે તક
જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા હર્ષલ પટેલ તથા અવેશ ખાનને પણ તક આપવામાં આવી શકે છે. જ્યારે અક્ષર પટેલને પણ મોકો મળી શકે છે.
ક્યારે થઈ શકે છે ટીમ જાહેર
ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. ત્રણેય વન ડે મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રણ ટી-20 કોલકાતામાં આયોજીત થશે. ભારતીય પસંદગીકારો ચાલુ સપ્તાહે જ વિન્ડિઝ સામેની વન ડે શ્રેણીની ટીમની જાહેરાત કરી દેશે તેમ લાગી રહ્યું છે.