IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામે આ બે યુવા ખેલાડીઓને મળશે ડેબ્યૂની તક, 12 જૂલાઇથી રમાશે પ્રથમ ટેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં તેને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે
India vs West Indies 1st Test Playing 11, Yashasvi Jaiswal And Mukesh Kumar Debut: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં તેને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે. ટેસ્ટ શ્રેણી 12 જૂલાઈથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા માટે પ્રથમ ટેસ્ટમાં બે યુવા ખેલાડી ડેબ્યૂ કરી શકે છે. એક ઝડપી બોલર મુકેશ કુમાર અને બીજો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ.
યશસ્વી પૂજારાનું સ્થાન લઈ શકે છે
સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં તેમના સ્થાને યશસ્વી જયસ્વાલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જો કે યશસ્વી વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ તે ટેસ્ટ ક્રિકેટમાં પણ ધીરજથી રમી શકે છે. તેણે રણજી ટ્રોફીમાં લાંબી ઇનિંગ રમી છે. IPL 2023માં યશસ્વીએ અનેક આક્રમક ઇનિંગ રમી હતી. યશસ્વીએ ગત સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. IPL 2023માં યશસ્વીએ સદી સાથે 625 રન બનાવ્યા હતા. સાથે જ તેણે એક મેચમાં 98 રન બનાવ્યા હતા.
મુકેશ કુમારનું ડેબ્યુ લગભગ નક્કી
મોહમ્મદ શમીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પહેલાથી જ ટીમની બહાર છે. આવી સ્થિતિમાં મુકેશ કુમારનું ડેબ્યૂ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ મુકેશ IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. તેની પ્રથમ આઈપીએલ સીઝનમાં મુકેશે તેની બોલિંગથી ખૂબ પ્રભાવિત કર્યા હતા. આવી સ્થિતિમાં મુકેશને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં તક મળી શકે છે.
12 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ -
ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડૉમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ, ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર, 3 ઓગસ્ટથી શરૂ થશે, અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની