IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતીય ટીમની આ સતત બીજી હાર છે. આ ઉપરાંત ભારતીય ટીમને ઘરઆંગણે 12 વર્ષ બાદ સીરિઝમાં પરાજય સ્વીકારવો પડ્યો છે.
India vs New Zealand, 2nd Test at Pune: મિચેલ સેન્ટનરની જાદુઈ બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 113 રનથી હરાવી. ન્યૂઝીલેન્ડની ટીમ 1955 56થી ભારતનો પ્રવાસ કરી રહી છે. પરંતુ 68 વર્ષમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડે ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી છે.
ભારત છેલ્લે 2012માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હાર્યું હતું. ત્યારે ઇંગ્લેન્ડે ભારતને 2-1થી હરાવ્યું હતું. આવો, ન્યૂઝીલેન્ડ સામેની હારના તે કારણો પર નજર નાખીએ, જેના કારણે ભારતીય ટીમને ટેસ્ટ મેચમાં સતત બીજી વાર હાર સ્વીકારવી પડી.
ઓપનિંગ જોડીની ખરાબ શરૂઆત
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. પ્રથમ ઇનિંગ્સમાં યશસ્વી જયસવાલ જ્યાં 30 રન બનાવીને આઉટ થયો, ત્યાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. બંને વચ્ચે 18 બોલમાં માત્ર એક રનની ભાગીદારી થઈ હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં યશસ્વી જયસવાલ અને રોહિત શર્માની ઓપનિંગ જોડી વચ્ચે માત્ર 34 રનની ભાગીદારી થઈ. મોટા સ્કોરનો પીછો કરતાં ખરાબ શરૂઆતનું દબાણ મિડલ ઓર્ડર પર પડ્યું.
ટોચના બેટ્સમેનોનું આઉટ ઓફ ફોર્મમાં હોવું
ભારતીય ટીમના મજબૂત બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલી લાંબા સમયથી મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી. વિરાટ કોહલી સ્પિનર સામે સારી રીતે રમી શકતો નથી. આનાથી તેમનો આત્મવિશ્વાસ ડગમગ્યો હોય તેવું લાગતું હતું. પૂણેમાં વિરાટ કોહલીને બંને ઇનિંગ્સમાં કીવી સ્પિનર મિચેલ સેન્ટનરે તેમને સ્પિનમાં ફસાવ્યા અને પેવેલિયન મોકલી ભારતીય ટીમને મોટો ઝટકો આપ્યો.
રોહિત શર્માની ખરાબ કેપ્ટનશી
ન્યૂઝીલેન્ડ સામે પૂણે ટેસ્ટ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશી કંઈ ખાસ ન રહી. ભારતીય કેપ્ટન પાસેથી જે આક્રમક વલણની અપેક્ષા હતી, તેવું મેદાન પર જોવા ન મળ્યું. તેમનું વલણ આક્રમકતાને બદલે રક્ષણાત્મક રહ્યું. કોમેન્ટ્રી બોક્સમાં હાજર ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આ વાત કહી.
કીવી ટીમને હળવાશમાં લેવું ભારે પડ્યું
બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હાર્યા બાદ બીજી ટેસ્ટ મેચમાં કીવી ટીમને હળવાશમાં લેવું ભારતીય ટીમને મોંઘું પડ્યું. પરિણામે, ન્યૂઝીલેન્ડને પ્રથમ ઇનિંગ્સમાં 256 રનમાં સમેટનારી ભારતીય ટીમ 53.4 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આખી મેચ દરમિયાન કીવી ટીમે ભારતીય ટીમ પર દબાણ જાળવી રાખ્યું. સીરિઝની બંને ટેસ્ટ મેચમાં ક્યાંયથી પણ એવું ન લાગ્યું કે મહેમાન ટીમ સામે ભારતીય ખેલાડીઓ તૈયારી કરીને ઉતર્યા છે.
આ પણ વાંચોઃ
Team India Squad: ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી, કેએલ રાહુલને પણ તક મળી