Asia Cup 2025: ભારતે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને એશિયા કપ ફાઇનલમાં પ્રવેશ કર્યો, શું પાકિસ્તાન થઈ ગયું બહાર?
Asia Cup 2025: એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ભારતે બાંગ્લાદેશ સામે વિજય મેળવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. આ જીતથી પાકિસ્તાન માટે પણ ફાઇનલમાં પહોંચવું હવે સરળ બન્યું છે.

India vs Bangladesh score: એશિયા કપના સુપર-4 રાઉન્ડની મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતે બાંગ્લાદેશને (Ind vs Bangladesh) 41 રનથી હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. આ જીતનો સૌથી મોટો ફાયદો પાકિસ્તાનને (Pakistan) મળ્યો છે, કારણ કે હવે તેમને ફાઇનલમાં પ્રવેશ માટે માત્ર એક જીતની જરૂર છે. આ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 168 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતની આ જીતના હીરો યુવા ઓપનર અભિષેક શર્મા રહ્યો, જેણે 75 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી, જ્યારે બોલિંગમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કર્યું.
મેચનો ઘટનાક્રમ અને ખેલાડીઓનું પ્રદર્શન
169 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત નબળી રહી. તેમના ઓપનર તન્ઝીદ હસન માત્ર 1 રન બનાવીને આઉટ થયા. જોકે, એક છેડે સૈફ હસને મજબૂતીપૂર્વક ટકી રહીને 69 રનની શાનદાર ઇનિંગ રમી. તેના સિવાય, પરવેઝ હુસૈન (21 રન) સિવાય કોઈ પણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો ન હતો. આ જ કારણ છે કે બાંગ્લાદેશની આખી ટીમ નિયમિત અંતરાલ પર વિકેટ ગુમાવીને હારનો શિકાર બની.
સુપર-4 ની ગણતરી અને પાકિસ્તાનનો ફાયદો
સુપર-4 રાઉન્ડમાં (Super 4 Round) ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા (Srilanka) ક્વોલિફાય થયા હતા. શ્રીલંકા તેની બંને મેચ હારીને ફાઇનલની (Asia Cup Final 2025) રેસમાંથી બહાર થઈ ગયું છે. બીજી તરફ, ભારતે પોતાની બંને મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ભારતના વિજયથી પાકિસ્તાન માટે સ્થિતિ અત્યંત અનુકૂળ બની ગઈ છે. પાકિસ્તાનનો નેટ રન રેટ હાલમાં +0.226 છે, જ્યારે બાંગ્લાદેશની 41 રનની હારને કારણે તેમનો નેટ રન રેટ ઘટીને -0.969 થઈ ગયો છે. હવે, પાકિસ્તાનને ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે બાંગ્લાદેશ સામેની પોતાની આગામી મેચમાં માત્ર જીત મેળવવાની જરૂર છે, પછી ભલે તે નાની માર્જિનથી હોય. નેટ રન રેટ હવે તેમના માટે ચિંતાનો વિષય નથી.
આવતીકાલે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચનો વિજેતા 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં ભારત સામે ટકરાશે. ભારતની આ જીતથી પાકિસ્તાનના સમર્થકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે તેમની મનપસંદ ટીમ માટે ફાઇનલનો રસ્તો હવે સ્પષ્ટ થઈ ગયો છે.




















