IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ભારતને મોટો ફટકો, વિરાટ કોહલીએ પ્રથમ 2 મેચમાંથી નામ પાછું ખેંચ્યું, જાણો કારણ
Virat Kohli: વ્યક્તિગત કારણોને ટાંકીને, વિરાટ કોહલીએ BCCIને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચોમાંથી પોતાનું નામ પાછું ખેંચવા વિનંતી કરી છે.
IND vs ENG Test Series: વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિરાટ કોહલીનું નામ પાછું ખેંચવાની માહિતી આપી હતી. BCCIએ વિરાટ કોહલીને લઈને એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી, જેમાં ભારતીય બેટ્સમેનનું નામ પાછું ખેંચવાના કારણો સામે આવ્યા હતા.
શું છે બીસીસીઆઈની પ્રેસ રિલીઝ
પ્રેસ રિલીઝ મુજબ, "વ્યક્તિગત કારણોને ટાંકીને, વિરાટ કોહલીએ BCCIને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચોમાંથી પોતાનું નામ પાછું ખેંચવા વિનંતી કરી છે."
આગળ લખવામાં આવ્યું કે, "વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી અને ભાર મૂક્યો કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, પરંતુ અમુક વ્યક્તિગત સંજોગો તેની હાજરી પર અવિભાજિત ધ્યાન આપવાની માંગ કરે છે."
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) January 22, 2024
Virat Kohli withdraws from first two Tests against England citing personal reasons.
Details 🔽 #TeamIndia | #INDvENGhttps://t.co/q1YfOczwWJ
BCCI તેમના નિર્ણયનું સન્માન કરે છે અને ટીમ મેનેજમેન્ટ અને સ્ટાર બેટ્સમેનને સમર્થન આપે છે અને બાકીના સભ્યોની શ્રેણીમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતામાં વિશ્વાસ છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈ મીડિયા અને પ્રશંસકોને વિનંતી કરે છે કે તે આ સમયે વિરાટ કોહલીની ગોપનીયતાનું સન્માન કરે અને અંગત કારણોસર અટકળો કરવાનું ટાળે. ભારતીય ટીમને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."
ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટ જાહેરાત કરવામાં આવશે
રિલીઝમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે BCCI ટૂંક સમયમાં કોહલીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ હતું, પરંતુ હવે સ્ટાર ભારતીય બેટ્સમેને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, જેના કારણે તેની જગ્યાએ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.