(Source: ECI/ABP News/ABP Majha)
Indore Test: ઓસ્ટ્રેલિયા સાથે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો, ભારતના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના નામે વધુ એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 33.2 ઓવર જ બેટિંગ કરી શકી હતી.
India vs Australia: ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં યજમાન ટીમ ઇન્ડિયા માત્ર 109 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનો આ ચોથો સૌથી નાનો સ્કોર છે. છેલ્લા 20 વર્ષમાં ત્રણ વખત ટીમ ઈન્ડિયા 109થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં તેની 53મી ટેસ્ટ મેચ રમી રહી છે.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે તેની જ ધરતી પર સૌથી નાનો સ્કોર 104 રન રહ્યો છે. વર્ષ 2004માં મુંબઈમાં રમાયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માત્ર 104 રન જ બનાવી શકી હતી. આ પછી, વર્ષ 2017માં પુણેમાં રમાયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની એક ઈનિંગ 105 અને બીજી ઈનિંગ 107 રનની થઈ ગઈ હતી.
એક શરમજનક રેકોર્ડ પણ બની ગયો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના નામે વધુ એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 33.2 ઓવર જ બેટિંગ કરી શકી હતી. ઘરઆંગણે ટેસ્ટ મેચના ઈતિહાસમાં ભારતીય ટીમ સામે પ્રથમ દાવમાં ફેંકવામાં આવેલી આ ચોથી સૌથી ઓછી ઓવર હતી.
ટીમ ઈન્ડિયા પોતાની જ જાળમાં ફસાઈ ગઈ
ભારતીય ટીમને ઈન્દોર ટેસ્ટ માટે પણ નાગપુર અને દિલ્હીની તર્જ પર બનાવેલ સ્પિન ટ્રેક મળ્યો હતો, પરંતુ અહીં ભારતીય ટીમ પોતાની જ જાળનો શિકાર બની હતી. ટીમ ઈન્ડિયા મેચના પહેલા દિવસના બીજા સેશનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનરોએ ટીમ ઈન્ડિયાના કોઈપણ બેટ્સમેનને લાંબો સમય ટકી રહેવા દીધો ન હતો. અહીં મેથ્યુ કુહનેમેને પાંચ, નાથન લિયોને ત્રણ અને ટોડ મર્ફીએ એક વિકેટ ઝડપી હતી.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની આ ત્રીજી ટેસ્ટમાં, એક સમયે ભારતીય ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 27 રન જોડ્યા હતા, પરંતુ પ્રથમ વિકેટ પડતાની સાથે જ બેક ટુ બેક ખેલાડીઓ પેવેલિયન પરત ફરવા લાગ્યા હતા. 18 રનની અંદર 5 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. ભારતની અડધી ટીમ 45 રન પર પેવેલિયન પહોંચી ગઈ હતી. આ પછી લોઅર ઓર્ડરે થોડો સમય સંઘર્ષ કર્યો પરંતુ છેલ્લે ભારતીય ટીમ 109 રન જ બનાવી શકી.