INDW vs AUSW: પ્રથમ વનડેમાં ઓસ્ટ્રિલેયાએ ભારતને 9 વિકેટથી હરાવ્યું, કેપ્ટન મિતાલીના નામે નોંધાયા આ ખાસ રેકોર્ડ
INDW vs AUSW: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત ખૂબ જ ખરાબ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનેડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.
INDW vs AUSW: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત ખૂબ જ ખરાબ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનેડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ વન ડે મેચની સીરીઝમાં ભારતીય ટીમ 0-1 થી પાછળ રહી ગઈ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટ ગુમાવી 225રન બનાવ્યા હતા. કેપ્ટન મિતાલી રાજે સૌથી વધુ 61 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ મિતાલીએ આ મેચમાં બે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મિતાલીએ પોતાના કરિયરમાં 20 હજાર રન પૂરા કર્યા છે અને આ સાથે જ વનડેમાં સતત પાંચ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતના બંને ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ટીમને સારી શરુઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. છ ઓવર સુધી 38 રનના સ્કોર પર બંને બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. ત્રીજી વિકેટ માટે યાશિકા ભાટિયા અને કેપ્ટન મિતાલી રાજ વચ્ચે 77 રનની પાર્ટનરશીપ થઈ હતી. અંતમાં વિકેટકીપર બેટ્સમેન ઋચા ઘોષે 29 બોલમાં 32 રન અને ઝૂલન ગોસ્વામીએ 24 બોલમાં 20 રન બનાવી ટીમને 8 વિકેટ પર 225 રનના સન્માનજનક સ્કોર પર પહોંચાડી હતી.
ડાર્સી બ્રાઉનને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર
ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર ડાર્સી બ્રાઉને 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી. જ્યારે સોફી મોલિનેક્સ અને હન્નાહ ડાર્લિંગટને 2-2 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ 41 ઓવરમાં 1 વિકેટ પર 227 રન બનાવી સરળ રીતે મેચમાં જીત નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી રાચેલ હેન્સએ અણનમ 93, અલિસા હીલીએ 77 અને કેપ્ટન મેગ લેનિંગએ અણનમ 53 રન બનાવ્યા હતા. બંને ટીમો વચ્ચે બીજી વનડે મેચ 24 સપ્ટેમ્બરના રોજ રમાશે.
મિતાલી રાજના નામે નોંધાયા આ બે રેકોર્ડ
પોતાના કરિયરની આ 218મી મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન મિતાલી રાજે 107 બોલમાં ત્રણ ફોરની મદદથી 61 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ મિતાલી રાજે વનડેમાં સતત પાંચ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીરીઝમાં નોટઆઉટ 75,59 અને 72 રન બનાવ્યા હતા અને સાઉથ આફ્રિકા સામેની એક મેચમાં નોટઆઉટ 79 રનની ઈનિંગ રમી હતી.