LSG vs SRH, Match Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદની સતત બીજી હાર, કૃણાલ પંડ્યાએ લખનૌને 5 વિકેટથી જીત અપાવી
IPL 2023ની 10મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું હતું. લખનૌની જીતમાં કૃણાલ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
LSG vs SRH IPL 2023: IPL 2023ની 10મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું હતું. લખનૌની જીતમાં કૃણાલ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલિંગ બાદ તેણે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 3 વિકેટ લેવાની સાથે 34 રન પણ બનાવ્યા હતા. આ સિઝનમાં હૈદરાબાદની આ સતત બીજી હાર હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં લખનૌએ માત્ર 16 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
કેપ્ટન કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાએ હૈદરાબાદને વાપસી કરવાની તક આપી ન હતી
122 રનના સ્કોરનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સની ઓપનિંગ જોડી, કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાની આગેવાની હેઠળ પ્રથમ વિકેટ માટે 35 રનની ઝડપી ભાગીદારી કરી હતી, જે બાદ મેયર્સને 13 રનના અંગત સ્કોર પર ફઝલક ફારૂકીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી લખનૌની ટીમને 45ના સ્કોર પર દીપક હુડ્ડાના રૂપમાં વધુ એક ફટકો લાગ્યો હતો, જે માત્ર 7 રન બનાવીને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો.
અહીંથી મેદાન પર કેપ્ટન કેએલ રાહુલને સપોર્ટ કરવા ઉતરેલા કૃણાલ પંડ્યાએ ત્રીજી વિકેટ માટે 38 બોલમાં 55 રનની ભાગીદારી કરીને મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી હતી. આ મેચમાં કેએલ રાહુલે 35 રન જ્યારે કૃણાલ પંડ્યાએ 34 રન બનાવ્યા હતા. લખનૌની ટીમે આ લક્ષ્યાંક 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ માટે આદિલ રશીદે 2 જ્યારે ફારૂકી, ઉમરાન અને ભુવનેશ્વર કુમારે આ મેચમાં 1-1 વિકેટ લીધી હતી.
સ્પિન જાળમાં ફસાયેલા હૈદરાબાદના બેટ્સમેન
આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની ઈનિંગ્સની વાત કરીએ તો ટીમના બેટ્સમેનો સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. હૈદરાબાદની ટીમને 21ના સ્કોર પર પહેલો ફટકો મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો હતો જે માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 55ના સ્કોર સુધી ટીમે તેની 4 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.
અહીંથી રાહુલ ત્રિપાઠીએ વોશિંગ્ટન સુંદર સાથે 50 બોલમાં 39 રનની ધીમી ભાગીદારી કરી, પરંતુ તે ટીમને મોટા સ્કોર તરફ લઈ જઈ શક્યો નહીં. છેલ્લી ઓવરમાં અબ્દુલ સમદે 10 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 121 રન સુધી પહોંચી શકી હતી. લખનૌ તરફથી બોલિંગમાં કૃણાલ પંડ્યાએ 3 જ્યારે અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી.