IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
એડિલેડ ટેસ્ટ મેચ (IND vs AUS, 2nd Test)માં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે વિકેટ લેતા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
Jasprit bumrah record in Test: એડિલેડ ટેસ્ટ મેચ (IND vs AUS, 2nd Test)માં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે વિકેટ લેતા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. બુમરાહ આ વર્ષે એટલે કે વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બન્યો છે. બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને પોતાની પ્રથમ સફળતા હાંસલ કરી હતી. ખ્વાજા માત્ર 13 રન બનાવી શક્યો હતો. બુમરાહ આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ મામલે અશ્વિન 46 વિકેટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર શોએબ બશીર છે, બશીરે આ વર્ષે અત્યાર સુધીમાં 45 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજાના નામે 44 વિકેટ છે.
મિચેલ સ્ટાર્કની 6 વિકેટ
ડાબા હાથના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6-48 લીધી, જે ટેસ્ટ મેચોમાં તેની 15મી પાંચ વિકેટ છે. ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે એડિલેડ ઓવલ ખાતે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટી સમયે ભારતને 44.1 ઓવરમાં માત્ર 180 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ 42 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બીજી તરફ કેએલ રાહુલે 37 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 31 રનની ઇનિંગ રમી હતી.
ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયા સામે ન ટકી શક્યા
રાહુલ અને ગિલે ઓસ્ટ્રેલિયાની ભૂલોનો ફાયદો ઉઠાવ્યો અને તેમને ઓફ-સ્ટમ્પની બહાર વધુ બોલિંગ કરવાની ફરજ પાડી અને બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી. જ્યારે એવું લાગતું હતું કે સત્ર ભારતની તરફેણમાં સમાપ્ત થશે, ત્યારે સ્ટાર્કે વાપસી કરી અને મેચમાં મોટો બદલાવ આવ્યો હતો. તેણે પહેલા રાહુલને આઉટ કર્યો, પછી કોહલીને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો. 18 મહિના પછી તેની પ્રથમ ટેસ્ટ રમી રહેલા ગિલને 31 રને LBW આઉટ કર્યો હતો. સ્ટાર્કે ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી.
શુભમન ગિલ અને રાહુલ વચ્ચે અડધી સદીની ભાગીદારી બની હતી. પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. શુભમન 51 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 35 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
મિચેલ સ્ટાર્ક ભારત માટે ઘાતક સાબિત થયો હતો. તેણે 14.1 ઓવરમાં 48 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે 2 મેડન ઓવર નાખી હતી.. કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. તેણે 12 ઓવરમાં 41 રન આપ્યા હતા. સ્કોટ બોલેન્ડે 13 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી હતી.