Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah On Retirement: ભારતીય ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે. બુમરાહનું આ નિવેદન રોહિત, વિરાટ અને જડેજાના રિટાયરમેન્ટ પછી આવ્યું છે.
Jasprit Bumrah On Retirement Plan: જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું. તેમણે ટૂર્નામેન્ટમાં 8.27ની સરેરાશથી 15 વિકેટ ઝડપી અને માત્ર 4.18ની ઇકોનોમી રેટથી રન આપ્યા. બુમરાહને આ શાનદાર પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' પસંદ કરવામાં આવ્યો. હવે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જડેજાના રિટાયરમેન્ટ પછી બુમરાહે પોતાના નિવૃત્તિ વિશે વાત કરી.
જણાવી દઈએ કે 2024માં T20 ચેમ્પિયન બનતાં જ વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય કર્યો હતો. પછી એક દિવસ બાદ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જડેજાએ પણ T20 ઇન્ટરનેશનલને અલવિદા કહી દીધું હતું. હવે 30 વર્ષના બુમરાહે પણ રિટાયરમેન્ટ વિશે વાત કરી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલા સન્માન સમારોહમાં બુમરાહે રિટાયરમેન્ટ વિશે કહ્યું, "આ હજી લાંબો રસ્તો છે. મેં હજી શરૂઆત કરી છે. આશા રાખું છું કે આ હજી દૂર હોય." બુમરાહે સ્પષ્ટ કરી દીધું કે હાલમાં તેમનો કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઇરાદો નથી.
કોહલીએ ખૂબ પ્રશંસા કરી હતી બુમરાહની
સન્માન સમારોહમાં વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે બુમરાહને રાષ્ટ્રીય ખજાનો અને દુનિયાનું 8મું આશ્ચર્ય ગણાવ્યું હતું. કોહલીએ કહ્યું કે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 30 બોલમાં 30 રનની જરૂર હતી, ત્યારે બુમરાહના કમાલે જ ભારતને જીત અપાવી.
અત્યાર સુધી આવું રહી છે બુમરાહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
નોંધનીય છે કે બુમરાહ ભારત માટે ત્રણેય ફોર્મેટ રમતા ખેલાડી છે. તેમણે અત્યાર સુધીમાં 36 ટેસ્ટ, 89 વનડે અને 70 T20 ઇન્ટરનેશનલ મેચો રમી લીધી છે. ટેસ્ટમાં તેમણે 159 વિકેટ, વનડેમાં 149 વિકેટ અને T20 ઇન્ટરનેશનલમાં 89 વિકેટ ઝડપી લીધી છે. તેમણે જાન્યુઆરી, 2016માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. વર્તમાન સમયમાં બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર છે.
નોંધનીય છે કે, ગઈકાલે ભારતીય ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પીએમ આવાસ પર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ નાસ્તો કર્યો અને વડાપ્રધાન સાથે વાત પણ કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ભારતીય ખેલાડીઓ અને વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત દરમિયાન ખૂબ જ વાતો સાથે મજાક મસ્તી કરી હતી.
આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણા ચેમ્પિયન્સ સાથે એક શાનદાર મુલાકાત, વર્લ્ડકપ વિજેતા ટીમની યજમાની કરી અને ટુનામેન્ટ દરમિયાનના તેમના અનુભવો પર એક યાદગાર વાતચીત કરી હતી.