શું કોહલી હવે નહીં રમે? IPL 2025 પહેલા વિરાટની આ વાતથી ચાહકોના જીવ અદ્ધર!
RCBની ઇવેન્ટમાં ટેસ્ટ કારકિર્દી અંગે વાત કરતાં કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ફરી રમવાની શક્યતા નકારી, ચાહકોમાં નિવૃત્તિની ચિંતા.

Virat Kohli Test career: IPL 2025ની શરૂઆત પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના એક નિવેદનથી ક્રિકેટ ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની એક ઇવેન્ટ દરમિયાન તેના તાજેતરના ફોર્મ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કોહલીએ સંકેત આપ્યો હતો કે તે કદાચ ફરીથી ઓસ્ટ્રેલિયામાં રમતા જોવા નહીં મળે.
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાના કેટલાક સિનિયર ખેલાડીઓના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે. જો કે કેપ્ટન રોહિત શર્માએ આ વાતનો હાલમાં ઇનકાર કર્યો છે, પરંતુ વિરાટ કોહલીએ આ અંગે કોઈ સ્પષ્ટ વાત કરી નથી. હવે IPL 2025ની 18મી સિઝન માટે બેંગલુરુમાં જોડાયેલા કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દી વિશે વાત કરતાં કહ્યું હતું કે તે કદાચ ફરીથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નહીં જાય.
શનિવારે 15 માર્ચે RCBની એક ઇવેન્ટમાં કોહલીએ ચાહકોના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમના તાજેતરના ફોર્મને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં 200થી વધુ રન બનાવનાર વિરાટ કોહલી આ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પોતાની બેટિંગથી પ્રભાવ પાડી શક્યો નહોતો. તેણે માત્ર એક જ સદી ફટકારી હતી, જ્યારે અગાઉ ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કોહલી ઘણી વખત ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર આઉટ થયો હતો, જેના કારણે માત્ર ચાહકો જ નહીં પરંતુ ક્રિકેટ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત અને પરેશાન હતા. જ્યારે કોહલીને આ પ્રવાસ પર તેની બેટિંગમાં થયેલા સંઘર્ષ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "હું ફરીથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નહીં રમી શકું, તેથી ભૂતકાળમાં જે પણ થયું, હું તેનાથી સંતુષ્ટ છું." ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાનો આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2027ના અંતમાં યોજાવાનો છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં મળેલી આ નિષ્ફળતા બાદ કોહલીની ટેસ્ટ કારકિર્દી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું IPL પછી ઈંગ્લેન્ડના પ્રવાસે ટીમમાં તેની પસંદગી થશે? અને જો પસંદગી પામશે તો શું તે આ શ્રેણી પછી જ નિવૃત્તિની જાહેરાત કરશે? મીડિયા, નિષ્ણાતો અને ચાહકો સતત આ પ્રશ્નો પૂછી રહ્યા છે અને તેના પર ચર્ચા કરી રહ્યા છે. પરંતુ કોહલીના આ નિવેદને ચોક્કસપણે તેના ચાહકોને એક નવી ચિંતા આપી છે કે કદાચ કોહલી અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
જો કે, ચાહકો ફરી એકવાર વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા માંગે છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે ઇંગ્લેન્ડના પ્રવાસે તેના બેટમાંથી રનનો વરસાદ થશે, જેથી જો તે નિવૃત્ત થાય તો પણ તે ચાહકો માટે ખુશીની યાદો સાથે જાય. હાલ તો કોહલીના આ નિવેદનથી ચાહકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે અને તેઓ IPL 2025માં તેના પ્રદર્શન પર નજર રાખશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
