IND vs PAK ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: શું હાર્દિક, તિલક અને અભિષેક બહાર થશે? કોચના નિવેદનથી વધી ચિંતા
IND vs PAK: એશિયા કપ 2025ની ઐતિહાસિક ફાઇનલ પહેલા ભારતીય ટીમના ત્રણ મુખ્ય ખેલાડીઓની ફિટનેસ પર સવાલો ઊભા થયા છે. બોલિંગ કોચે હાર્દિક-અભિષેકની ઇજા પર અપડેટ આપ્યું.

INDIA vs PAKISTAN: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલ પહેલીવાર 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે, પરંતુ આ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર અભિષેક શર્માની ઇજાઓ અંગે અપડેટ આપ્યું છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તિલક વર્માની ઇજા પર કોઈ સ્પષ્ટતા કરી નથી, જેનાથી ટીમનું ટેન્શન વધી ગયું છે.
હાર્દિક અને અભિષેકની સ્થિતિ
ભારત વિરુદ્ધ શ્રીલંકાની (IND VS SRI LANKA) મેચ પૂર્ણ થયા બાદ કોચ મોર્ને મોર્કેલે ઇજાગ્રસ્ત ખેલાડીઓની સ્થિતિ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાને મેચ દરમિયાન માંસપેશીઓમાં ખેંચાણ અનુભવાયું હતું. જોકે, અભિષેક શર્માની સ્થિતિ સામાન્ય છે. હાર્દિક પંડ્યાની ફિટનેસનું મૂલ્યાંકન આજે રાત્રે કરવામાં આવશે અને આવતીકાલે સવારે તેના રમવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાએ હંમેશની જેમ પ્રથમ ઓવર ફેંકીને એક વિકેટ ઝડપી હતી, પરંતુ તે પછી તે મેદાન છોડીને બહાર જતો રહ્યો અને બાકીની મેચમાં ફિલ્ડિંગ કે બોલિંગ કરી શક્યો નહીં. અભિષેક શર્મા પણ 10મી ઓવરમાં ખેંચાણને કારણે મેદાન છોડીને ગયો હતો.
તિલક વર્મા પર મૌન: સૌથી મોટી ચિંતા
ટીમ ઇન્ડિયા (TEAM INDIA) માટે સૌથી મોટી ચિંતા યુવા બેટ્સમેન તિલક વર્માની (TILAK VARMA) ઇજા બની રહી છે, જેના વિશે કોચ મોર્કેલે કોઈ અપડેટ આપ્યું નથી. તિલક વર્મા શ્રીલંકાની ઇનિંગ્સની 18મી ઓવરમાં દાસુન શનાકાએ ફટકારેલી સિક્સર રોકવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થયો હતો. તે ડાબા પગને પકડીને મેદાનની બહાર ગયો હતો.
તિલક વર્મા આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, તેણે અત્યાર સુધીમાં કુલ 148 રન બનાવ્યા છે. ફાઇનલ જેવી મોટી અને ઐતિહાસિક મેચમાં તેના જેવા ટોચના બેટ્સમેનની ગેરહાજરી ટીમ ઇન્ડિયા માટે ભારે પડી શકે છે.
હાર્દિક અને અભિષેક બંને ટીમ ઇન્ડિયાના મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે. એક વિશ્વનો નંબર-વન ઓલરાઉન્ડર છે, તો બીજો યુવા ઓપનર બેટ્સમેન છે. આ ત્રણેય સ્ટાર ખેલાડીઓનું ફાઇનલમાં રમવું ટીમના સંતુલન માટે અત્યંત મહત્ત્વનું રહેશે.




















