Hardik Pandya MI Captain: મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને હટાવી હાર્દિકને કેમ બનાવ્યો કેપ્ટન ? જાણો
જ્યારે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સમાં પ્રવેશ કર્યો ત્યારે એવી અટકળો હતી કે હાર્દિક મુંબઈનો આગામી કેપ્ટન હશે.
MI Captaincy: જ્યારે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સમાં પ્રવેશ કર્યો ત્યારે એવી અટકળો હતી કે હાર્દિક મુંબઈનો આગામી કેપ્ટન હશે. હવે આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે IPL 2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ નિર્ણય ભલે આસાન ન હોય, પરંતુ છેલ્લી ત્રણ સિઝનથી ટાઈટલ ન જીતનાર પોતાની ટીમમાં ફેરફાર કરવા માટે આ ફ્રેન્ચાઈઝીને આખરે કંઈક નવું કરવું પડ્યું.
છેલ્લી ત્રણ સિઝન ખરાબ રહી હતી
મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લે 2020માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આ પછી, તે વર્ષ 2021 અને 2022માં પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શક્યું નથી. 2022 માં, સ્થિતિ એવી હતી કે આ ટીમ 10માં સ્થાને હતી એટલે કે પોઈન્ટ ટેબલમાં છેલ્લું સ્થાન. 2023માં પણ આ ટીમ કોઈક રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી પરંતુ ફાઇનલમાં પહોંચી શકી નહોતી.
રોહિત શર્માનો ખરાબ કેપ્ટન્સીનો તબક્કો
IPLની છેલ્લી ત્રણ સિઝનમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં એ જલવો ન દેખાયો, જેના કારણે તે મુંબઈને બેક ટુ બેક ટાઈટલ આપી રહ્યો હતો. આ સિવાય ઈન્ટરનેશનલ લેવલ પર પણ ભારતીય ટીમના કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ આઈસીસીની ત્રણ ઈવેન્ટ્સ રમી હતી અને ત્રણેયમાં ભારતીય ટીમ ટાઈટલ જીતી શકી નહોતી. દેશ અને ફ્રેન્ચાઈઝી માટે રોહિતનો તાજેતરનો કેપ્ટનશિપનો રેકોર્ડ છેલ્લા બે-ત્રણ વર્ષમાં ખરેખર નબળો રહ્યો છે. મુંબઈએ રોહિતને હટાવવાનું નક્કી કર્યું તેનું આ એક મોટું કારણ છે.
રોહિત આ વર્ષે એક પણ T20I રમ્યો નથી
રોહિત શર્મા ઓડીઆઈ ક્રિકેટમાં સારી બેટિંગ કરી રહ્યો છે પરંતુ ટી-20 ક્રિકેટમાં તેનું બેટ ખાસ ચાલતુ નથી. છેલ્લા બે-ત્રણ વર્ષમાં તેનો ટી20 રેકોર્ડ વધુ સારો રહ્યો નથી. વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ તે T20માં ખાસ પ્રભાવ પાડી શક્યો ન હતો. IPLમાં પણ છેલ્લી બે સિઝનમાં તેની બેટિંગ નબળી રહી છે. આ વર્ષે તેણે એક પણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી.
શા માટે હાર્દિકને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો?
IPLમાં પહેલીવાર કેપ્ટન બનતા જ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. બીજી સિઝનમાં પણ તેણે પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તેની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે નિયમિત રીતે સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ T20 ઈન્ટરનેશનલમાં પણ તેણે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને બેક ટુ બેક સિરીઝમાં તેને જીત અપાવી. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માનું આનાથી વધુ સારું રિપ્લેસમેન્ટ થઈ શક્યું ન હોત.
હાર્દિક પણ મજબૂત છે
IPL 2022 થી હાર્દિક પંડ્યા શાનદાર ફોર્મમાં છે. તેણે આઈપીએલની છેલ્લી બે સિઝનમાં બોલ અને બેટથી સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં તે ઈન્ટરનેશનલ T20 અને ODIમાં પણ ઘણો સફળ રહ્યો છે. તે પોતે મજબૂત પ્રદર્શન સાથે ટીમનું નેતૃત્વ કરે છે, તેનાથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધે છે.