આ સ્ટાર ક્રિકેટરે તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃતિ, ટીમ ઈન્ડિયાને જીતાડી ચૂક્યો છે બે વર્લ્ડકપ
તે 2007ના ટી-20 વર્લ્ડ કપ અને 2011ના વન-ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ હતો

ભારતીય લેગ-સ્પિનર પીયૂષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પીયૂષ ચાવલાએ 6 જૂન (શુક્રવાર) ના રોજ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ચાવલા 2007ના ટી-20 વર્લ્ડ કપ અને 2011ના વન-ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ હતા. ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ તે બંને વર્લ્ડ કપ જીત્યા હતા.
View this post on Instagram
36 વર્ષીય પીયૂષ ચાવલાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 'હું આ પ્રકરણનો અંત કૃતજ્ઞતા સાથે કરી રહ્યો છું. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ સુંદર સફરમાં હંમેશા મને સાથ આપવા બદલ આપ સૌનો આભાર. પીયૂષ ચાવલાએ આ સાથે એક લાંબી પોસ્ટ પણ શેર કરી હતી.
પીયૂષ ચાવલાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'મેદાન પર બે દાયકાથી વધુ સમય વિતાવ્યા પછી હવે આ સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને 2007ના ટી-20 વર્લ્ડ કપ અને 2011ના વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ બનવા સુધી આ અદભૂત સફરની દરેક ક્ષણ મારા માટે આશીર્વાદરૂપ રહી છે. આ યાદો હંમેશા મારા હૃદયમાં રહેશે.'
પીયૂષ ચાવલાએ આગળ લખ્યું હતું કે, 'હું મારામાં વિશ્વાસ મુકનાર તમામ IPL ફ્રેન્ચાઇઝી- પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઇન્ડિયન પ્રીમિયર લીગ મારી કારકિર્દીનો ખૂબ જ ખાસ અધ્યાય રહ્યો છે અને મેં તેમાં રમવાની દરેક ક્ષણની ખૂબ પ્રશંસા કરી છે. હું ખાસ કરીને મારા કોચ – કે.કે. ગૌતમ અને સ્વર્ગસ્થ પંકજ સારસ્વતનો આભાર માનું છું, જેમણે મને ક્રિકેટર તરીકે આકાર આપવામાં અને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.'
વધુમાં પીયૂષ ચાવલાએ લખ્યું હતું કે 'મારા પરિવારનો, જે હંમેશા મારી શક્તિનો સૌથી મજબૂત સ્તંભ રહ્યો છે. તમારુ અટલ સમર્થન મારા બધા ઉતાર-ચઢાવમાં મારો પાયો રહ્યું છે. ખાસ કરીને મારા સ્વર્ગસ્થ પિતાનો, જેમની શ્રદ્ધાએ મને આ માર્ગ બતાવ્યો. તેમના વિના આ સફર ક્યારેય શક્ય ન હોત. હું BCCI, UPCA (ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન) અને GCA (ગુજરાત ક્રિકેટ એસોસિએશન) નો પણ આભાર માનું છું કે તેમણે મને એક ક્રિકેટર તરીકે વિકાસ કરવા અને મારી જાતને વ્યક્ત કરવા માટે પ્લેટફોર્મ અને તક આપી. આજે મારા માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે કારણ કે હું સત્તાવાર રીતે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. ભલે હું હવે મેદાન પર પગ નહીં મુકું, પણ ક્રિકેટ હંમેશા મારામાં જીવંત રહેશે. હું આ સુંદર રમતની આત્મા અને શીખ સાથે નવી સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છું.'
36 વર્ષીય પિયુષ ચાવલા છેલ્લે ડિસેમ્બર 2012માં ભારત માટે રમતા જોવા મળ્યા હતા. જમણા હાથના સ્પિનર પિયુષે ભારત માટે ત્રણ ટેસ્ટ, 25 વનડે અને 7 ટી20 મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં સાત, વનડેમાં 32 અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4 વિકેટ લીધી છે.




















