ટીમ ઇન્ડિયાની સામે ઉભું થઈ શકે છે નવું જોખમ, રાહુલ દ્રવિડ કોચ બનવાની રેસમાંથી બહાર
રવિ શાસ્ત્રીએ બીસીસીઆઈને સંકેત આપ્યો છે કે તે ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ પદથી દૂર થવા માંગે છે.
આ વર્ષે યોજાનાર ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચમાં ફેરફાર થઈ શકે છે. ટી20 વર્લ્ડ કપ બાદ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. એવા અહેવાલો આવ્યા છે કે રવિ શાસ્ત્રી ફરી કોચ પદ માટે અરજી નહીં કરે. પરંતુ હવે રાહુલ દ્રવિડ પણ ટીમ ઈન્ડિયાના કોચ પદની રેસમાંથી બહાર હોય તેમ લાગે છે.
રવિ શાસ્ત્રીએ બીસીસીઆઈને સંકેત આપ્યો છે કે તે ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ પદથી દૂર થવા માંગે છે. એવું માનવામાં આવતું હતું કે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા રાહુલ દ્રવિડ રવિ શાસ્ત્રીની જગ્યાએ મુખ્ય કોચ બનશે. આ સાથે જ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ માટે નવી ભરતીના કારણે કોચ માટે દ્રવિડનું નામ વધુ ચર્ચામાં બન્યું હતું.
પરંતુ હવે રાહુલ દ્રવિડે નેશનલ ક્રિકેટ એકેડમીના ડિરેક્ટર રહેવા ફરી અરજી કરી છે. NCAના ડિરેક્ટર તરીકે રાહુલ દ્રવિડનો પ્રથમ કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો છે. જોકે, એવી તમામ શક્યતાઓ છે કે રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે.
ટી20 વર્લ્ડ કપ બાદ નવા કોચ આવશે
રાહુલ દ્રવિડે તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા ભજવી હતી. વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરી છતાં, રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણી જીતવામાં સફળ રહી હતી. શ્રીલંકા પ્રવાસ બાદ પણ રાહુલ દ્રવિડ મુખ્ય કોચ બનવાના સમાચાર ખૂબ જ ઝડપી ફેલાઈ ગયા હતા. પરંતુ હવે આ તમામ સમાચારોનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે.
ટીમ ઇન્ડિયા જોકે ટી 20 વર્લ્ડ કપ બાદ નવા કોચની શોધમાં રહેશે. રવિ શાસ્ત્રીએ કોચ તરીકે ચાલુ ન રહેવાની ઈચ્છા વ્યક્ત કરી અને રાહુલ દ્રવિડ પણ રેસમાંથી ખસી ગયા છે ત્યારે હવે બીસીસીઆઈએ નવા ચહેરાની શોધ કરવી પડશે.