IND Vs ENG: ઋષભ પંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બીજા ખેલાડીના નામનો ખુલાસો નહીં
ન્યૂઝ એજન્સી એએનઆઈએ બે ભારતીય ખેલાડીઓના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.
IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધી ઇન્ડિયન ક્રિકેટ ટીમના બે ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામે આવેલ જાણકારી અનુસાર ઋષભ પંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષભ પંત ઉપરાંત બીજા ખેલાડીનું નામ સામે નથી આવ્યું.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ બે ભારતીય ખેલાડીઓના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. ઇંગ્લેન્ડના પ્રોટોકોલ પ્રમાણ કોવિડ પોઝિટિવ થનાર ખેલાડીનું નામ જાહેર કરવામાં નથી આવતું. પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઋષભ પંત જ એ ખેલાડી છે જે હાલમાં કોરોના પોઝિટિવ છે.
ઋષભ પંત હાલમાં જ યૂરોપ કપ મેચ જોવા પહોચ્યો હતો. ત્યાર બાદથી જ ઋષભ પંતના ગળામાં દુઃખાવાની ફરિયાદ સામે આવી હતી. ઉપરાંત ઠંડી લાગવા અને ઉધરસ જેવા સામાન્ય લક્ષણ પણ ઋષભ પંતમાં જોવા મળ્યા હતા. ઋષભ પંતને તરત જ આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો હતો. ઋષભ પંતે હવે ડરહમમાં ટીમ કેમ્પ સાથે જોડાતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે. કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પંત ટીમ કેમ્પ સાથે જોડાઈ શકશે.
બીજા ખેલાડીનું નામ સામે ન આવ્યુ
બીજા ખેલાડીનું નામ સામે નથી આવ્યું. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એ ખેલાડી કોરોના વાયરસને માત આપી ચૂક્યો છે. ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલ સૂત્રો એ પણ એએનઆઈને કહ્યું કે, ચિંતાની કોઈ વાત નથી.
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 42 હજાર 302 કેસ નોંધાયા છે. જાન્યુઆરી મહિના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. હાલ બ્રિટનમાં 7 લાખ 30 હજારથી વધારે એક્ટિવ કેસ છે. બ્રિટનમાં સતત વધતા કેસથી અહીની સરકાર પણ ચિંતિત છે.
આ પહેલી ઘટના નથી જ્યારે ઇંગ્લેન્ડમાં ક્રિકેટર કોરોના પોઝિટિવ આવ્યા હોય બે દિવસ પહેલા ખત્મ થયેલ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સિરીઝ પર પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો હતો. ત્રણ મેચની વનડે સિરીઝ ઠીક પહેલા ઇંગ્લેન્ડના ચાર ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
ઈસીબીએ જોકે પાકિસ્તાન વિરૂદ્ધ સિરીઝ રમવા માટે પૂરી ટીમ બદલી નાખી હતી. ઇંગ્લેન્ડના અનેક ખેલાડીઓ જોકે હવે આઈસોલેશન પીરિડય પૂરી કરી ચૂક્યા છે અને પાકિસ્તાન વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે ટીમમાં તેમની વાપસી થઈ ગઈ છે.
જ્યારે ટીમ ઇન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ બ્રેક પર છે. 18 જુલાઈના રોજ ટીમ ઇન્ડિયા ડરહમમાં રમશે જ્યાં તે પહેલા કાઉન્ટી પ્લેઇંગ વિરૂદ્ધ એક પ્રેક્ટિસ મેચમાં પણ ભાગ લેશે.