WTC Final: ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ભૂલ
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતી લીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં કાંગારૂ ટીમે ભારતને 209 રનથી હરાવ્યું હતું.
Rohit Sharma On IND vs AUS, WTC Final: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતી લીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં કાંગારૂ ટીમે ભારતને 209 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીતવા માટે 444 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આખી ટીમ માત્ર 234 રન જ બનાવી શકી હતી. જો કે આ હાર બાદ ભારતના કેપ્ટન રોહિત શર્માએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ તેણે કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ટીમથી ક્યાં ભૂલ થઈ ગઈ ?
'ઓસી બેટ્સમેનોએ જે રીતે બેટિંગ કરી, તેમને ક્રેડિટ જાય છે'
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે ટોસ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. તે સ્થિતિમાં બેટિંગ કરવી સરળ ન હતી. ખાસ કરીને અમારા બોલરોએ પહેલા સેશનમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ તે પછી અમે ખરાબ બોલિંગ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જે રીતે બેટિંગ કરી તેનો શ્રેય તેમને જાય છે. ખાસ કરીને ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી હતી. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની ભાગીદારીએ મેચને પલટી નાખી હતી.
'અમે જાણતા હતા કે અહીંથી વાપસી કરવી સરળ નથી, પરંતુ...'
રોહિત શર્માએ કહ્યું કે પ્રથમ દાવ બાદ અમને ખબર હતી કે અહીંથી વાપસી કરવી સરળ નથી, પરંતુ અમે છેલ્લી ઘડી સુધી લડ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં અમે 2 વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી છે. હું માનું છું કે આ એક મોટી ઉપલબ્ધિ છે. જો કે અમારી ટીમે ઘણી લાંબો રસ્તો કાપવાનો છે. પરંતુ અમે છેલ્લા 2 વર્ષમાં જે કર્યું છે તેની ક્રેડિટ છીનવી શકતા નથી. અમારી ટીમના ખેલાડીઓએ જોરદાર જુસ્સો બતાવ્યો, પરંતુ કમનસીબે અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતી શક્યા નહીં. હું પ્રશંસકોનો આભાર માનું છું જેમણે દરેક વિકેટ અને રન પછી અમારા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી આવૃત્તિની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવીને ટાઈટલ જીતી લીધું છે. આ ઐતિહાસિક મેચમાં ભારતીય ટીમને મેચની ચોથી ઇનિંગમાં જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા રમતના 5માં દિવસે 234 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી આ ઇનિંગમાં નાથન લિયોને 4 જ્યારે સ્કોટ બોલેન્ડે 3 વિકેટ ઝડપી હતી.