ક્રિકેટમાં આવશે તોફાન! 434,742,00,000 રૂપિયાનું રોકાણ, IPL કરતાં પણ મોટી T20 લીગ આવી રહી છે!
સાઉદી અરેબિયા ક્રિકેટ જગતમાં નવી ક્રાંતિ લાવવાની તૈયારીમાં, ટેનિસ ગ્રાન્ડ સ્લેમ જેવું ફોર્મેટ અને મહિલા-પુરુષ બંને માટે લીગ શરૂ થશે.

ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉદી અરેબિયા ક્રિકેટ જગતમાં એક નવી શરૂઆત કરવા માટે અધધધ રકમનું રોકાણ કરવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયા એક નવી T20 ક્રિકેટ લીગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં અંદાજે 434,742,00,000 રૂપિયા (4 ખર્વ 34 અબજ 74 કરોડ 20 લાખ રૂપિયા અથવા 4300 કરોડથી વધુ)નું જંગી રોકાણ કરવામાં આવશે. આ લીગનું ફોર્મેટ પણ અત્યાર સુધીની તમામ લીગથી અલગ અને નવું હશે, જેના કારણે ક્રિકેટ વિશ્વમાં એક નવો ઉત્સાહ જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયન અખબાર 'ધ એજ'ના એક અહેવાલ મુજબ, આ નવી T20 લીગને ટેનિસ ગ્રાન્ડ સ્લેમ જેવું ફોર્મેટ આપવામાં આવી શકે છે. આ લીગની સંભાવનાને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને સાઉદી અરેબિયાની SRJ સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ વચ્ચે છેલ્લા એક વર્ષથી ગુપ્ત મંત્રણાઓ ચાલી રહી છે. આટલું મોટું રોકાણ દર્શાવે છે કે સાઉદી અરેબિયા ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે ગંભીરતાથી કામ કરી રહ્યું છે અને આ લીગ IPL જેવી લોકપ્રિય લીગને પણ ટક્કર આપી શકે છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ લીગનો વિચાર ઓસ્ટ્રેલિયાના જાણીતા ઓલરાઉન્ડર નીલ મેક્સવેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. નીલ મેક્સવેલ ઓસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા જેવી ટીમો માટે રમે છે અને હાલમાં તે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સનું સંચાલન પણ કરે છે. આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે આ લીગને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આ નવી લીગની ખાસ વાત એ છે કે તેનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવવાનો નથી, પરંતુ ક્રિકેટના ભવિષ્યને સુરક્ષિત કરવાનો અને આ રમતને વધુ લોકપ્રિય બનાવવાનો છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ લીગ વિશ્વભરમાં ચાલી રહેલી અન્ય ક્રિકેટ લીગ પર કોઈ નકારાત્મક અસર નહીં કરે. આ લીગ દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ નાના અને ઓછી નફાકારક ક્રિકેટ રમતા દેશોને પ્રોત્સાહિત કરવા માટે પણ કરવામાં આવશે.
આ લીગમાં જે પણ ટીમો બનશે, તેમનો મુખ્ય આધાર ક્રિકેટ રમતા દેશોમાં હશે. રસપ્રદ વાત એ છે કે આમાંથી એક ટીમ ઓસ્ટ્રેલિયામાં પણ બનશે. આ લીગ માત્ર પુરુષો માટે જ નહીં, પરંતુ મહિલા ક્રિકેટરો માટે પણ શરૂ કરવામાં આવશે, જે મહિલા ક્રિકેટને વધુ પ્રોત્સાહન આપશે. આ લીગની ફાઈનલ મેચ સાઉદી અરેબિયામાં રમાઈ શકે છે, જે આ દેશ માટે ક્રિકેટના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ સાબિત થશે.
સાઉદી અરેબિયાનું આ જંગી રોકાણ ક્રિકેટ જગતમાં એક નવો બદલાવ લાવશે અને આ રમતને એક નવી ઊંચાઈ પર લઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી લીગ ક્યારે શરૂ થાય છે અને તેનું ફોર્મેટ શું હશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
