શોધખોળ કરો
IND VS ENG: શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે 1-2 નહીં પણ 10 મોટા રેકોર્ડ તોડ્યા! 430 રન બનાવી....
ઇંગ્લેન્ડ સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલે અસાધારણ પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો છે.

શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે 1-2 નહીં પણ 10 મોટા રેકોર્ડ તોડ્યા
Source : BCCI X
Shubman Gill records: ઇંગ્લેન્ડ સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલે અસાધારણ પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. ખાસ કરીને બીજી ટેસ્ટ મેચમાં તેણે બેટ વડે શાનદાર કમાલ કરી અને એક, બે કે ત્રણ નહીં પણ કુલ 10 મોટા રેકોર્ડ તોડીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરાવ્યું. આ મેચમાં ગિલે કુલ 430 રન બનાવ્યા, જેમાં પહેલી ઇનિંગ્સમાં 269 અને બીજી ઇનિંગ્સમાં 161 રનનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે આ મેચ 336 રનથી જીતીને શાનદાર વિજય મેળવ્યો હતો.
ગિલના ઐતિહાસિક 10 રેકોર્ડ
- ટેસ્ટમાં સૌથી વધુ રન (એક મેચમાં): ગિલે ઇંગ્લેન્ડ સામેની આ મેચની બંને ઇનિંગ્સમાં કુલ 430 રન બનાવ્યા. આ સાથે, તે ભારત માટે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે સુનીલ ગાવસ્કરનો 1971માં વેસ્ટ ઇન્ડીઝ સામે બનાવેલા 344 રનનો રેકોર્ડ તોડ્યો.
- એક મેચમાં 250 અને 150 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન: ગિલે આ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 269 રન અને બીજી ઇનિંગ્સમાં 161 રન બનાવ્યા. આ સાથે, તે એક જ ટેસ્ટમાં 250 અને 150 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો.
- બંને ઇનિંગ્સમાં 150 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય: ગિલ આ મેચમાં બંને ઇનિંગ્સમાં 150 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ગિલ પહેલાં, ફક્ત એલન બોર્ડરે 1980માં પાકિસ્તાન સામે 150 અને 153 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.
- કેપ્ટન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ: ગિલે ભારતીય કેપ્ટન તરીકે 269 રનની સૌથી મોટી ઇનિંગ્સ રમીને વિરાટ કોહલીનો 2019માં દક્ષિણ આફ્રિકા સામે બનાવેલા 254 રનનો રેકોર્ડ તોડ્યો.
- ઇંગ્લેન્ડમાં કેપ્ટન તરીકે બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય: ગિલ ઇંગ્લેન્ડમાં બંને ઇનિંગ્સમાં કેપ્ટન તરીકે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
- ડેબ્યૂ શ્રેણીમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન: ગિલે વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ તોડ્યો. તે ડેબ્યૂ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન (અત્યાર સુધી 585 રન) બનાવનાર ખેલાડી બન્યો. કોહલીએ 2014-15માં ઓસ્ટ્રેલિયા સામે ચાર ઇનિંગ્સમાં 449 રન બનાવ્યા હતા.
- ઇંગ્લેન્ડમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી મોટી ઇનિંગ્સ: ગિલની 269 રનની ઇનિંગ્સ હવે ઇંગ્લેન્ડમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી મોટી ઇનિંગ્સ છે. તેણે ગાવસ્કરનો 1979માં ઓવલ ખાતે બનાવેલા 221 રનનો રેકોર્ડ તોડ્યો.
- સેના (SENA) દેશોમાં એશિયન ટેસ્ટ કેપ્ટન દ્વારા રમાયેલી સૌથી મોટી ઇનિંગ: ગિલની 269 રનની ઇનિંગ સેના દેશોમાં (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) એશિયન ટેસ્ટ કેપ્ટન દ્વારા રમાયેલી સૌથી મોટી ઇનિંગ છે. તેણે શ્રીલંકાના તિલકરત્ને દિલશાનનો 2011માં લોર્ડ્સમાં બનાવેલા 193 રનનો રેકોર્ડ તોડ્યો.
- એશિયાની બહાર ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી મોટી ઇનિંગ: ગિલની 269 રનની ઇનિંગ એશિયાની બહાર કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી મોટી ઇનિંગ છે. તેણે સચિન તેંડુલકરનો 2004માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બનાવેલા 241 રનનો રેકોર્ડ તોડ્યો.
- એજબેસ્ટનમાં ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય: ગિલે આ મેચમાં બેવડી સદી ફટકારીને એજબેસ્ટનમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.
વધુ વાંચો




















