(Source: ECI/ABP News/ABP Majha)
ICCએ ટી-20 વર્લ્ડકપ માટે ગ્રુપની કરી જાહેરાત, ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા 2021 ટી-20 વર્લ્ડકપ માટે ગ્રુપની જાહેરાત કરવામાં આવી છે. આઇસીસીએ ટુનામેન્ટને વધુ રસપ્રદ બનાવવા માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખ્યા છે.
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા 2021 ટી-20 વર્લ્ડકપ માટે ગ્રુપની જાહેરાત કરવામાં આવી છે. આઇસીસીએ ટુનામેન્ટને વધુ રસપ્રદ બનાવવા માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખ્યા છે. એવામાં બે વર્ષ બાદ એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમે સામસામે ટકરાશે.
આઇસીસીએ ભારત અને પાકિસ્તાન બંન્નેને ગ્રુપ બેમાં રાખ્યા છે. તે સિવાય આ ગ્રુપમાં ન્યૂઝિલેન્ડ, અફઘાનિસ્તાન અને બે ક્વોલિફાયર ટીમો રહેશે. નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપ ઓક્ટોબર- નવેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાશે. આ અગાઉ છેલ્લે ભારત અને પાકિસ્તાનની ટીમો 2019 વન-ડે વર્લ્ડકપમાં એકબીજા સામે ટકરાઇ હતી. ત્યારે ભારતે પાકિસ્તાનને હાર આપી હતી. પાકિસ્તાન અત્યાર સુધીમાં વન-ડે અને ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે જીતી શક્યુ નથી.
છેલ્લા ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. જોકે, તે સમયે ગ્રુપ બીમાં આ બંન્ને ટીમો સિવાય ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ પણ હતી ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને જોતા આઇસીસીએ ફરી એકવાર આ બંન્ને ટીમોને એક જ ગ્રુપમાં રાખી છે.
આઇસીસીએ સુપર-12માં બે ગ્રુપ બનાવ્યા છે. ગ્રુપ-2માં ભારતની સાથે પાકિસ્તાન, ન્યૂઝિલેન્ડ, અફઘાનિસ્તાન અને ગ્રુપ-એની રનર-અપ અને ગ્રુપ-બીની ચેમ્પિયન ટીમ હશે. જ્યારે ગ્રુપ-1માં ઇગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ગ્રુપ-એની વિજેતા અને ગ્રુપ-બીની રનર-અપ ટીમ હશે. ગ્રુપ એમાં શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામીબિયાની ટીમો છે. જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પપુના ન્યૂ ગિની અને ઓમાન છે. આ વખતે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો ટી-20 વર્લ્ડકપ માટે ડાયરેક્ટ ક્વોલિફાઇ કરી શકી નથી.
ટી-20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાશે. આ અગાઉ વર્લ્ડકપ ભારતમાં રમાવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે તેને યુએઇ શિફ્ટ કરવામાં આવ્યો છે. જોકે, ટુનામેન્ટની યજમાનીની જવાબદારી ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડની રહેશે.