6, 6… ટેસ્ટમાં વૈભવ સૂર્યવંશીએ T20 જેવી બેટિંગ કરી ત્યાં જ.... જાણો ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં શું થયું?
IND U19 vs ENG U19: ભારત vs ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટમાં વૈભવનો ઝડપી પ્રારંભ, પહેલી ટેસ્ટમાં ઓલરાઉન્ડ પ્રદર્શનથી બનાવ્યો હતો ઇતિહાસ.

India U-19 vs England U-19 match: ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ T20 સ્ટાઈલમાં બેટિંગ કરી હતી. July 20 થી શરૂ થયેલી આ મેચના બીજા દિવસે, સોમવારે (July 21, 2025), ઇંગ્લેન્ડની ટીમ 309 રનમાં ઓલઆઉટ થયા બાદ બેટિંગમાં આવેલા 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 બોલમાં 20 રન બનાવ્યા હતા, જેમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. અગાઉ, તેણે પ્રથમ ટેસ્ટ મેચમાં 56 રનની અડધી સદી ફટકારીને અને 2 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી એકાંશ સિંહે 117 રન અને થોમસ રોએ 59 રન બનાવ્યા હતા.
વૈભવ સૂર્યવંશીની T20 જેવી ઇનિંગ્સ
પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 309 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા મેદાનમાં આવી, ત્યારે ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રે ક્રિઝ પર આવ્યા હતા. જોકે, મેચ શરૂ થતાં જ, છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ભારતની પહેલી વિકેટ પડી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 14 બોલમાં ઝડપી 20 રન બનાવીને આઉટ થઈ ગયો.
વૈભવની આ ટૂંકી ઇનિંગ્સમાં તેણે 1 ચોગ્ગો અને 2 શાનદાર છગ્ગા ફટકાર્યા. તેણે પોતાના કુલ 20 રનમાંથી 16 રન માત્ર બાઉન્ડ્રી દ્વારા બનાવ્યા, જ્યારે દોડીને માત્ર 4 રન જ લીધા. વૈભવ સૂર્યવંશી આઉટ થતાં જ ભારતની પહેલી વિકેટ 37 રનના સ્કોર પર પડી હતી.
પહેલી ટેસ્ટમાં વૈભવનો ઐતિહાસિક દેખાવ
વૈભવ સૂર્યવંશીએ આ પહેલાની ટેસ્ટ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે મેચની પહેલી ઇનિંગમાં ભલે તે ફક્ત 14 રન બનાવી શક્યો હોય, પરંતુ બીજી ઇનિંગમાં તેણે 44 બોલમાં 56 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ્સમાં તેણે 9 ચોગ્ગા અને 1 છગ્ગો પણ માર્યો હતો. બેટિંગ ઉપરાંત, વૈભવે તે મેચમાં બોલિંગ કરતી વખતે 2 વિકેટ પણ લીધી હતી. આ પ્રદર્શન સાથે, વૈભવ યુવા ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારનાર અને વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
ઇંગ્લેન્ડની ઇનિંગ્સ
બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ 309 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી એકાંશ સિંહે સૌથી વધુ રન બનાવ્યા, તેણે 155 બોલમાં 117 રનની આકર્ષક સદી ફટકારી. આ ઉપરાંત, કેપ્ટન થોમસ રોએ પણ 79 બોલમાં 59 રનની અડધી સદી ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.




















