ICC U19 Womens T20 World માં ભારતીય ખેલાડીએ ઈતિહાસ રચ્યો, તોડ્યો ઓસ્ટ્રેલિયાઈ પ્લેયરનો મહારેકોર્ડ
મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા ICC મહિલા T20 વર્લ્ડ કપની બીજી આવૃત્તિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમનું અજેય અભિયાન યથાવત છે.

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા ICC મહિલા T20 વર્લ્ડ કપની બીજી આવૃત્તિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમનું અજેય અભિયાન યથાવત છે. ટીમ ઈન્ડિયાએ 30 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડની મહિલા અંડર-19 ટીમ સામેની સેમીફાઈનલ મેચ પણ 9 વિકેટે જીતી હતી. આ મેચમાં, ભારતીય મહિલા અંડર-19 ટીમની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન ફરી એકવાર ડાબા હાથની સ્પિન બોલર વૈષ્ણવી શર્માનું આવ્યું છે, જેણે પોતાની 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વૈષ્ણવીએ મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે.
વૈષ્ણવીએ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો રેકોર્ડ તોડ્યો
ICC દ્વારા વર્ષ 2023માં પ્રથમ વખત મહિલા T20 અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારતીય ટીમે જીત્યું હતું. આ પ્રથમ એડિશનમાં ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમતા મેગી ક્લાર્કે સૌથી વધુ વિકેટ લીધી હતી. 5 મેચમાં ક્લાર્કે 6.25ની એવરેજથી કુલ 12 વિકેટ લીધી હતી. હવે વૈષ્ણવીએ મેગી ક્લાર્કનો આ રેકોર્ડ મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપની બીજી એડિશનમાં તોડ્યો છે. વૈષ્ણવીએ આ એડિશનમાં અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમી છે જેમાં તેણે માત્ર 3.40ની એવરેજથી 15 વિકેટ ઝડપી છે, જે હજુ વધશે, કારણ કે ફાઈનલ મેચમાં પણ તમામની નજર વૈષ્ણવીની બોલિંગ પર રહેશે.
ટીમ ઈન્ડિયાનો સામનો દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે
મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમ ટાઈટલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ટકરાશે. જ્યારે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની મેચમાં જીત મેળવી હતી, ત્યારે દક્ષિણ આફ્રિકાની મહિલા અંડર-19 ટીમનો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે સામનો થયો હતો, જેને તેણે 5 વિકેટથી જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ 2 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે રમાશે.
ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ભારતીય અંડર-19 ટીમે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. જી કમલિનીએ ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું અને અણનમ અડધી સદી ફટકારી. તેણે 50 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. કમલિનીની આ ઇનિંગમાં 8 ચોગ્ગા સામેલ હતા. ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
