Virat Kohli: સદી ભલે ચૂકી ગયો, પણ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ! સચિન-સંગાકારા પણ રહી ગયા પાછળ
Virat Kohli 5 World Records: વડોદરામાં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની વનડેમાં 'રન મશીન'નો તરખાટ; 93 રનની ઈનિંગ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 28,000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.

Virat Kohli 5 World Records: ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલી (Virat Kohli) માટે વર્ષ 2026 ની શરૂઆત ઐતિહાસિક રહી છે. વડોદરાના મેદાન પર ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભલે તે પોતાની કારકિર્દીની 54મી વનડે સદી માત્ર 7 રન માટે ચૂકી ગયો હોય, પરંતુ તેની 93 રનની ઈનિંગ ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. 91 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે રમેલી આ ઈનિંગ દરમિયાન કિંગ કોહલીએ એકીસાથે 5 મોટા વર્લ્ડ રેકોર્ડ (World Records) પોતાના નામે કર્યા છે. તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાને પણ પાછળ છોડી દીધા છે.
ચાલો જાણીએ વિરાટ કોહલીએ તોડેલા 5 મોટા રેકોર્ડ્સ વિશે:
1. સૌથી ઝડપી 28,000 રનનો વિશ્વવિક્રમ વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી તેજ ગતિએ 28,000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની 624મી ઈનિંગ્સમાં આ જાદુઈ આંકડો સ્પર્શ કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેમણે 644 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
વિરાટ કોહલી: 624 ઈનિંગ્સ
સચિન તેંડુલકર: 644 ઈનિંગ્સ
કુમાર સંગાકારા: 666 ઈનિંગ્સ
2. વિશ્વનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી આ મેચમાં રન બનાવવાની સાથે જ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. વિરાટના નામે હવે કુલ 28,068 રન છે. તેણે શ્રીલંકાના કુમાર સંગાકારા (28,016 રન) ને પછાડી દીધો છે. હવે તેની આગળ માત્ર સચિન તેંડુલકર (34,357 રન) છે.
3. ભારત માટે સૌથી વધુ વનડે મેચ: ગાંગુલીનો રેકોર્ડ તૂટ્યો વડોદરા વનડે એ વિરાટ કોહલીની ભારત માટે 309મી વનડે મેચ હતી. આ સાથે તેણે ભારત તરફથી સૌથી વધુ વનડે મેચ રમવાની બાબતમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (308 મેચ) ને પાછળ છોડી દીધા છે. આ લિસ્ટમાં સચિન (463), ધોની (347), દ્રવિડ (340) અને અઝહરુદ્દીન (334) કોહલી કરતા આગળ છે.
4. સતત 50+ સ્કોરનો અનોખો રેકોર્ડ વિરાટ કોહલીનું ફોર્મ સાતમા આસમાને છે. વનડે ક્રિકેટ ઈતિહાસમાં તેણે પાંચમી વખત એવી સિદ્ધિ મેળવી છે જેમાં સતત 5 કે તેથી વધુ ઈનિંગ્સમાં 50 પ્લસ રન બનાવ્યા હોય. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને હવે ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં તેનું બેટ સતત આગ ઓકી રહ્યું છે. છેલ્લી 7 ઈનિંગ્સમાં તેણે કુલ 677 રન ખડક્યા છે.
5. ન્યુઝીલેન્ડ સામે 3,000 રન પૂરા કીવી ટીમ સામે પણ વિરાટનો દબદબો કાયમ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે 3,000 રન પૂરા કરનાર તે વિશ્વનો માત્ર પાંચમો બેટ્સમેન બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, જો રૂટ અને જેક્સ કાલિસ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.



















