(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli Sourav Ganguly: 'વિરાટ કોહલીએ પોતે નિર્ણય લીધો હતો...', કોહલી સાથેના વિવાદ પર સૌરવ ગાંગુલીએ તૌડ્યું મૌન
ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન રોહિત શર્મા ટીકાઓનો સામનો કરી રહ્યો છે
Sourav Ganguly On Virat Kohli Captaincy: ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન રોહિત શર્મા ટીકાઓનો સામનો કરી રહ્યો છે. દરમિયાન દરેક વ્યક્તિ વિરાટ કોહલીની કેપ્ટનશીપને પણ યાદ કરી રહી છે. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન વિદેશી પ્રવાસોમાં શાનદાર રહ્યું હતું. આ દરમિયાન હવે પહેલીવાર BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના કેપ્ટનશીપ છોડવાના મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો તે સમયે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ હતા. તે સમયે રિપોર્ટ આવ્યા હતા કે ગાંગુલીના દબાણને કારણે કોહલીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લેવો પડ્યો. જો કે, હવે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં ગાંગુલીએ આ મુદ્દા વિશે કહ્યું કે કોહલીએ પોતાની મરજીથી કેપ્ટનશીપ છોડી હતી. આ અંગે તેમના પર કોઈ દબાણ કરવામાં આવ્યું ન હતું.
ગાંગુલીએ કહ્યું હતું કે 'હવે બોલવાનો કોઈ ફાયદો નથી. અમે વિરાટની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવા માટે સંપૂર્ણપણે તૈયાર નહોતા. આ તેનો નિર્ણય હતો. તે સમયે કોઈને કેપ્ટન બનાવવો હતો. તે સમયે રોહિત શર્મા શ્રેષ્ઠ વિકલ્પ હતો. મને રોહિતમાં ઘણો વિશ્વાસ છે. IPLમાં પાંચ વખત ટ્રોફી જીતવી મોટી વાત છે. વર્લ્ડ કપ જીતવા કરતાં આઈપીએલ જીતવી વધુ મુશ્કેલ છે. તમારે 14 મેચ રમવાની છે, પછી IPLમાં પ્લેઓફ છે. હું માનું છું કે કેપ્ટન તરીકે રોહિત હજુ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ગાંગુલીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વિરાટ કોહલી ઘણો સારો કેપ્ટન હતો. કોહલી અને રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ઘણું સારું પ્રદર્શન કર્યું. આ બંન્નેના સમયગાળા દરમિયાન મેદાન પર ભારતીય ખેલાડીઓનું વલણ ઘણું આક્રમક છે.
સૌરવ ગાંગુલીએ પણ રોહિત શર્માની કેપ્ટનશીપને લઈને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે હું ઈચ્છું છું કે તે આ જ રીતે ટીમનું નેતૃત્વ કરે. 6 મહિના પછી અમારે વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે. જે ટીમમાં રોહિત, ગિલ, કોહલી, હાર્દિક, જાડેજા, બુમરાહ, શમી અને સિરાજ જેવા ખેલાડીઓ હાજર હોય તેને હરાવવી સરળ નહી હોય. હું દ્રવિડ સાથે રમ્યો છું અને તેનું ઘણું સન્માન કરું છું. મને ખાતરી છે કે તે રોહિત સાથે મળીને ટીમને આગળ લઈ જશે.