India Vs Pakistan: ભારત-પાકિસ્તાન મેચ પર રમાશે આશરે 5 હજાર કરોડનો સટ્ટો, જાણો મેચ જીતવા કોણ છે ફેવરીટ
World Cup 2023: ભારત પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર પણ સૌ કોઇની નજર છે. સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે.
India vs Pakistan World Cup 2023: વર્લ્ડકપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી મેચને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓએ સાથે સટ્ટો રમતા સટ્ટોડિયા અને બુકીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાનની મેચના સટ્ટાબજારમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરીટ છે. આ મેચમાં સટ્ટાનો આંક પાંચ હજાર કરોડને પાર થવાની શક્યતા પણ વધી છે. સૌથી વધારે સટ્ટો ડીસા અને ભાભરની લાઇનથી બુક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, નાના સટ્ટોડિયાઓ પાસેથી સટ્ટો બુક કરાવવા માટે મોબાઇલ ફોનથી સટ્ટો રમાડતા યુવકોની સંખ્યા પણ વધી છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર પણ સૌ કોઇની નજર છે.
ભારતની જીતનો કેટલો છે ભાવ
સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જેમાં હારજીત પર શરૂ થયેલા સટ્ટામાં ભારત તરફે સૌથી વધારે 75 ટકાથી વધારે સટ્ટો છે. જ્યારે પાકિસ્તાનની જીતની શક્યતા 25 ટકા જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે મેચના ટોટલ સ્કોર, 300 થી વધારે સ્કોર અને પાવર પ્લેમાં સૌથી વધારે રન તેમજ અલગ અલગ સેશન પર પણ સટ્ટો ભારતની તરફેણમાં છે. સામાન્ય રીતે જ્યારે ભારતની હોમગ્રાઉન્ડ પર મેચ હોય ત્યારે મેચ ફીક્સ કરીને જીતની તક વધારવામાં આવે છે. તેમાં પણ પાકિસ્તાન સામેની મેચમાં ભારત પર જીતનુ દબાણ હોય છે તે માટે અને કરોડો રૂપિયા કમાવવા માટે બુકીઓ દ્વારા ઉપરથી જ મેચ ફીક્સ કરી દેવામાં આવી હોવાથી પણ ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે.
દર્શકોને કેટલા વાગ્યાથી મળશે એન્ટ્રી
દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં 4 IG-DIG, 21 DCP, 47 ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. મોદી સ્ટેડિયમમાં 2 હજાર જેટલા CCTVથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. સ્ટેડિયમ ખાતે BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.