WTC Final: ભારતને હરાવીને ન્યૂઝીલેન્ડ બન્યું વર્લ્ડ ચેમ્પિયન, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ્સ
ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ન્યૂઝિલેન્ડને જીતવા 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
સાઉથટેમ્પનઃ ન્યૂઝિલેન્ડે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતને 8 વિકેટથી હરાવવાની સાથે જ પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને ન્યૂઝિલેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.
આવી રહી ભારતની બીજી ઈનિંગ
ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ન્યૂઝિલેન્ડને જીતવા 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 41 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ફરીથી પાણીમાં બેસી ગયો હતો. સાઉથીએ 4, બોલ્ટે 3, જેમિસને 2 અને વેગનરે 1 વિકેટ લીધી હતી.
2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતે ત્રીજી વખત કોઈ આઈસીસી ઇવેન્ટની ફાઈનલ મેચ ગુમાવી છે. આ પહેલા તેણે 2014ની ટી20 વર્લ્ડ કપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે વિકટ અશ્વિને લીધી
રવિચંદ્રન અશ્વિને આ મેચમાં કુલ ચાર વિકેટ લીધી. તેણે બન્ને ઇનિંગમાં બે બે વિકેટ લીધી. તેની સાથે જ તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો. તેના નામે આ ટૂર્નામેન્ટમાં કુલ 71 વિકેટ છે. તેણે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ કે જેણે 70 વિકેટ લીધી છે તેને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વિદેશમાં 200 ટેસ્ટ વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો ઇશાંત શર્મા
ઇશાંત શર્માએ પ્રથમ ઇનિંગમાં સારી બોલિંગ કરતાં ત્રણ વિકેટ લીધી અને વિદેશમાં પોતાની 200 ટેસ્ટ પૂરી કરી હતી. જ્યારે કપિલ દેવે (215) અને ઝહીર ખાન (207) બાદ વિદેશમાં 200 વિકેટ લેનાર ત્રીજા ભારતીય બોલર બની ગયો છે.
ન્યૂઝીલેન્ડ માટે બીજો સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બન્યો વિલિયમસન
કીવી કેપ્ટન કેન વિલિયમસને પ્રથમ ઇનિંગમાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ 49 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગને ટેસ્ટ રનના મામલે પાછળ છોડ્યા હતા. ફ્લેમિંગ (7172) અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે બીજા સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન હતા, પરંતુ હવે વિલિયમસને તેનું સ્થાન લીધું છે.