FIFA Craze : FIFA વર્લ્ડકપની દિવાનગીને પણ મુસ્લીમ સંગઠને ગણાવી ગેરઈસ્લામિક
મુસ્લિમ સંગઠને ફીફાને લઈને યુવાનોમાં આ ક્રેઝનો વિરોધ કર્યો છે. સમસ્થ કેરળ જેમ ઇય્યાતુલ ખુત્બા સમિતિએ ફૂટબોલ પ્રત્યેના આ ક્રેઝને જીવલેણ ગણાવ્યો છે.
FIFA World Cup 2022 : કતરમાં ફિફા વર્લ્ડ કપ 2022ની રંગારંગ શરૂઆત થઈ ગઈ છે. આખું વિશ્વ ફૂટબોલના મહાકુંભમાં રંગાઈ ગયું છે. ભારતમાં ફિફાનો ઘણો ક્રેઝ છે. કેરળમાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધુ છે. તાજેતરમાં જ કેરળમાંથી એક અહેવાલ સામે આવ્યા હતાં કે, અહીંના ફિફા વર્લ્ડ કપ જોવા માટે ગ્રામજનોએ 23 લાખનું ઘર ખરીદ્યું છે. આ ઘરને સ્ટેડિયમની જેમ સજાવ્યું હતું. FIFAમાં સામેલ તમામ દેશોના ધ્વજ લગાવ્યા અને ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની તસવીરો લગાવી.
પરંતુ મુસ્લિમ સંગઠને ફીફાને લઈને યુવાનોમાં આ ક્રેઝનો વિરોધ કર્યો છે. સમસ્થ કેરળ જેમ ઇય્યાતુલ ખુત્બા સમિતિએ ફૂટબોલ પ્રત્યેના આ ક્રેઝને જીવલેણ ગણાવ્યો છે. એસોસિએશનના પ્રમુખ નસેર ફૈઝી કુડાથયીએ ફૂટબોલ ચાહકો દ્વારા આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી, પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બ્રાઝિલના નેમાર જુનિયરના કટઆઉટ પર પૈસા ખર્ચવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ફિફા ક્રેઝ ગેરઇસ્લામિક
કુડાથયીએ કહ્યું હતું કે, કતરમાં રમતગમતના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ ગુમાવી રહ્યા છે. એટલું જ નહીં તેમણે તેને 'ગેર-ઈસ્લામિક' પણ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પોતાની મનપસંદ ફૂટબોલ ખેલાડીઓના કટઆઉટ લગાવીને તેમની પૂજા કરવી એ ઈસ્લામ વિરુદ્ધ છે. ખુત્બા કમિટીએ ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલી ટીમોના સમર્થનમાં ઝંડાને પણ ના લગાવવા કહ્યું છે. તેમણે યુવાનોને પોર્ટુગલનો ધ્વજ ન ફરકાવવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, પોર્ટુગલે અનેક દેશોને ગુલામ બનાવ્યા હતા.
ફૂટબોલ એક બિમારી બની રહ્યો છે : કુડાથયી
નાસર ફૈઝી કૂદથીએ આટલેથી પણ ના અટકતા કહ્યું હતું કે, ભારતીયો માટે અન્ય દેશોના ધ્વજનું સન્માન કરવું વાજબી છે પરંતુ તેને લહેરાવવા એ યોગ્ય નથી. એવું નથી કે હું ફૂટબોલ વિરોધી છું. રમતને રમતની ભાવનાથી જ જોવી જોઈએ. શારીરિક તંદુરસ્તી માટે રમતગમતને પ્રોત્સાહન આપવું જોઈએ. પરંતુ ફૂટબોલ એક બિમારી બની રહ્યો છે. લોકોને તેની લત લાગી જાય છે. જે અયોગ્ય છે. તેમણે કહ્યું હતું કે, આજે યુવાનો પોતાના દેશના ધ્વજને ભૂલીને બીજા દેશોના ધ્વજ ફરકાવવા લાગ્યા છે.
કેરળ સરકારે આપ્યો જવાબ
તે મુસ્લિમ સંગઠનની આ ટિપ્પણી પર કેરળ સરકારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રાજ્ય સરકારે સંગઠનની દલીલોને ફગાવી દીધી છે. રાજ્યના શિક્ષણ મંત્રી વી શિવનકુટ્ટીએ કહ્યું હતું કે, કોઈને પણ લોકોની વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલ દેવાનો અધિકાર નથી. એ લોકોએ નક્કી કરવાનું છે કે, તેમણે પુસ્તકો વાંચવા, ગીતો સાંભળવા કે મેચ જોવી છે. કોઈને પણ તેના પર પ્રતિબંધ મૂકવાનો કોઈ જ અધિકાર નથી.